શું રેપ સર્વાઈવરે મરી જવું જોઈએ? પદ્માવતના જૌહર સીન પર સ્વરા ભાસ્કરના નિવેદનથી સોશિયલ મીડિયા પર બબાલ

ફિલ્મ 'પદ્માવત'ના જૌહર સીનની સરખામણી પર સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે. રાજપૂત મહિલાઓના અપમાનનો આરોપ લાગતાં સ્વરાએ ઈન્સ્ટાગ્રામ પર વળતો પ્રહાર કર્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 01 Sep 2026 11:23 PM (IST)Updated: Tue, 01 Sep 2026 11:23 PM (IST)
uproar-on-social-media-over-swara-bhaskers-statement-regarding-the-jauhar-scene-in-padmaavat

Padmaavat Controversy: બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પોતાના બોલ્ડ અને અવારનવાર વિવાદોમાં રહેતા નિવેદનો માટે જાણીતી છે. હાલમાં જ નવી દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન વર્ષ 2018માં રિલીઝ થયેલી સંજય લીલા ભંસાલીની હિટ ફિલ્મ 'પદ્માવત'ના ક્લાઈમેક્સ (જૌહર સીન) અંગે નિવેદન આપીને તે ફરી એકવાર નેટીઝન્સના નિશાના પર આવી ગઈ છે.

સ્વરા ભાસ્કરે શું દાવો કર્યો?

એક ઈવેન્ટમાં વાતચીત કરતી વખતે સ્વરાએ ફિલ્મ પદ્માવતના જૌહર સીન પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે- હું જ્યારે આ ફિલ્મ જોઈ રહી હતી અને તેમાં 800 જેટલી મહિલાઓને જૌહર કરતી જોઈ, ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે – ભગવાન ન કરે ને મારી સાથે ક્યારેય દુષ્કર્મ થાય, તો શું આ ફિલ્મ મને એવો મેસેજ આપી રહી છે કે હું કાયર છું? કારણ કે મેં મારી ઈજ્જત બચાવવા માટે આત્મદાહ જેવું પગલું ન ભર્યું?

ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ગર્ભવતી મહિલાના જૌહરના દ્રશ્ય અંગે ગુસ્સો વ્યક્ત કરતા સ્વરાએ ઉમેર્યું હતું કે- એ દ્રશ્ય જોઈને મને એટલો ગુસ્સો આવ્યો કે મારા મોંમાંથી અપશબ્દો નીકળી ગયા. શું એનો અર્થ એવો થાય કે ગર્ભમાં ઉછરી રહેલી બાળકીને જન્મ લેવાનો હક જ નથી, માત્ર એટલા માટે કે ભવિષ્યમાં તેની સાથે કોઈ મુસ્લિમ દ્વારા દુષ્કર્મ થઈ શકે?

તેણે વધુમાં જણાવ્યું કે ફિલ્મ જોયા બાદ તેણે ભણસાલીને ખુલ્લો પત્ર (Open Letter) લખ્યો હતો. તેનો હેતુ એ સ્પષ્ટ કરવાનો હતો કે મહિલાઓનું અસ્તિત્વ માત્ર તેમના પ્રાઈવેટ પાર્ટ્સ પૂરતું સીમિત નથી.

સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ અને વિરોધ

સ્વરા ભાસ્કરનું આ નિવેદન વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. અનેક યુઝર્સે આ નિવેદનને ઐતિહાસિક સન્માન અને રાજપૂતાંગનાઓ દ્વારા કરવામાં આવેલા મહાન ત્યાગ (જૌહર)નું સરેઆમ અપમાન ગણાવ્યું હતું.

સોશિયલ મીડિયા યુઝર્સે એવી ટીકા કરી હતી કે જૌહર એ મુઘલ આક્રમણકારો સામે સતીત્વ અને સ્વમાન બચાવવા માટેનું એક ઐતિહાસિક પગલું હતું, જેને આજના સમયના આધુનિક વિચારો કે દુષ્કર્મ સાથે સરખાવીને તેનું અપમાન કરવું યોગ્ય નથી.

સ્વરા ભાસ્કરનો વળતો પ્રહાર

પોતાના નિવેદન પર થઈ રહેલા ભારે વિરોધ અને ટ્રોલિંગ બાદ સ્વરા ભાસ્કરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને વળતો પ્રહાર કર્યો હતો. તેણે લખ્યું કે- આ ખરેખર આશ્ચર્યજનક છે કે લોકો એ વાતથી જ આટલા ઉશ્કેરાઈ ગયા છે કે જેમની સાથે દુષ્કર્મ થયું હોય, તેમને પણ આ સમાજમાં જીવવાનો પૂરો અધિકાર છે.