Tiger Shroff Car Firing Case: બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની ગાડી પર મુંબઈમાં મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હોવાની સસપેન્સ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. બર્થડે પાર્ટીમાંથી પરત ફરી રહેલા ટાઈગર શ્રોફ પર થયેલા આ હુમલા દરમિયાન અભિનેતાનો જીવ બચાવવા જતાં તેમના વફાદાર કેરટેકર અને ડ્રાઈવર ફિરદોસ ઈબ્રાહિમ બલોચને ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
બર્થડે પાર્ટીથી પરત ફરતી વખતે થયો હુમલાખોરોનો અંધાધૂંધ ફાયરિંગ
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે ટાઈગર શ્રોફ મુંબઈમાં એક બર્થડે પાર્ટીમાં હાજરી આપીને પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આવેલા હુમલાખોરોએ તેમની કારને નિશાન બનાવીને પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. હુમલામાં ત્રણ ગોળીઓ પેસેન્જર સાઈડની કાચની બારી તોડીને વાહનની અંદર ઘૂસી ગઈ હતી. કારમાં સવાર અને જોગેશ્વરીના રહેવાસી એવા ડ્રાઈવર બલોચને ડાબા હાથમાં ગોળી વાગી હતી.
આ કપરી પરિસ્થિતિમાં ટાઈગર શ્રોફે ભારે હિંમત અને સુઝબુઝ બતાવી હતી. તેમણે તરત જ લોહીલુહાણ થયેલા પોતાના ડ્રાઈવરને બાજુ પર ખસેડી, પોતે ગાડીનું સ્ટેઅરિંગ સંભાળી લીધું હતું. ટાઈગર ઘાયલ બલોચને લઈને સૌપ્રથમ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે તેમને નાણાવટી હોસ્પિટલ લઈ ગયા હતા.
28 વર્ષ જૂનો પારિવારિક સંબંધ અને સમર્પણ
58 વર્ષીય ફિરદોસ ઈબ્રાહિમ બલોચ છેલ્લા 28 વર્ષથી શ્રોફ પરિવાર સાથે જોડાયેલા છે. તેઓ માત્ર 20 વર્ષની નાની વયે ડ્રાઈવર તરીકે શ્રોફ પરિવારમાં જોડાયા હતા અને સમય જતાં ટાઈગરના અંગત કેરટેકર બન્યા હતા. બલોચનો પરિવાર જણાવે છે કે તેઓ ટાઈગર શ્રોફ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે અને તેમનો આખો દિવસ અભિનેતાની સુરક્ષા અને સેવામાં જ વિતે છે.
ગોળીબારના સમાચાર મળતા જ બલોચના પત્ની, પુત્ર, પુત્રી સહિતના સગાં-સંબંધીઓ નાણાવટી હોસ્પિટલ દોડી આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, સર્જરી બાદ બલોચની હાલત હાલ સ્થિર છે અને તેઓ ખતરાથી બહાર છે. સોમવારે જુહુ પોલીસની એક વિશેષ ટીમે હોસ્પિટલ પહોંચી તેમનું અધિકૃત નિવેદન નોંધ્યું હતું. હુમલાના કારણે તેઓ હજુ પણ આઘાત અને ભયની સ્થિતિમાં છે. પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ અને વધુ તપાસ તેજ કરી છે.
