Laalo Film: ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈએ પહોંચાડી દેનારી બ્લોકબસ્ટર ફિલ્મ ‘લાલો – શ્રીકૃષ્ણ સદા સહાયતે’ (Laalo Krishna Sada Sahaayate) વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર 100 કરોડના આંકડાને પાર કરીને ગુજરાતી સિનેમાની તાકાતને સાબિત કરી દીધી છે. આ ઐતિહાસિક સિદ્ધિને લઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપ્પુ (Tapu) ઉર્ફે ભવ્ય ગાંધીએ (Bhavya Gandhi) મોટી વાત કરી છે.
ભવ્ય ગાંધીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે કે, અત્યાર સુધી લોકો એવા પ્રશ્નો જ પૂછતા હતા કે, ગુજરાતી સિનેમા પાસે પુરતું ઑડિયન્સ છે. શું ગુજરાતી ફિલ્મોને પુરતી સ્ક્રીન મળે છે?
જો કે હવે આવા પ્રશ્ન પૂછનારા દરેક લોકો એવું પૂછી રહ્યા છે કે, શું તમે 'લાલો' ફિલ્મ જોઈ? આ ગુજરાતી ફિલ્મે માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર વિશ્વમાં બૂમ પડાવી દીધી છે અને 100 કરોડની કમાણી કરીને ગુજરાતી સિનેમા માટે એક નવો ઈતિહાસ રચ્યો છે.
આ સિદ્ધિ 'લાલો' ફિલ્મ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ અંકિત સખિયા, અભિનેતા કરણ જોશી અને આખી ટીમ માટે અત્યંત ગૌરવની વાત છે. ભવ્ય ગાંધીએ લાલોની ટીમને હાર્દિક અભિનંદન આપતા જણાવ્યું કે, ગુજરાતી સિનેમા માટે ઐતિહાસિક ક્ષણ છે.
'લાલો' ફિલ્મની વાર્તા
આ ફિલ્મની વાર્તા એક સામાન્ય રિક્ષાચાલક લાલો (કરણ જોશી)ની આસપાસ ફરે છે, જે પોતાના ભૂતકાળના પાપો, દુઃખ અને જીવનની મુશ્કેલીઓથી પીડિત છે. લાલોનું જીવન એક પ્રમાણભૂત માણસનું જ છે – પરીવાર, વ્યસનની સમસ્યાઓ અને આર્થિક તંગીઓ વચ્ચે ઝઝૂમતું.
લાલાની પત્ની તુલસી (રીવા રાચ્છ) તેની પડખે ઊભી રહી છે, તે પણ લાલોના વ્યસ સહિત સમસ્યાઓથી ત્રસ્ત છે. આ કહાણી દર્શાવે છે કે 'વ્યક્તિ ખરાબ નથી હોતો, સમય ખરાબ હોય' છે. અવાવરૂ જગ્યાએ બંધ ઘરમાં ફસાયેલા 'લાલા'ને ભગવાન શ્રીકૃષ્ણ કેવી રીતે બહાર કાઢે છે? લાલાની ગેરહાજરીમાં તેના પરિવારની શું હાલત થાય છે? તે આ ફિલ્મમાં દર્શાવાયું છે.
