Disha Vakani at Lalbaugcha Raja: તારક મહેતા શોમાં સૌની પ્રિય એવી દયાબેન લાંબા સમયથી સિરિયલથી દૂર છે. જાહેરમાં પણ મોટાભાગે ઓછી જોવા મળે છે. ત્યારે હાલમાં જ દિશા વાકાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. દિશા વાકાણી બાપ્પાના દર્શન કરવા માટે મુંબઈમાં લાલબાગ ચા રાજાના દર્શને પહોંચી હતી.
દિશા વાકાણી લાલબાગ ચા રાજાના દર્શને પહોંચી
હાલ દેશભરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ભક્તો ભારે ઉત્સાહ સાથે તેની ઉજવણી કરી રહ્યા છે. મુંબઈમાં લાલબાગ ચા રાજાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે. ગણેશ ઉત્સવ દરમિયાન અહીં ભારે ભીડ રહેતી હોય છે. ત્યારે તારક મહેતાની દયાબેન એટલે કે દિશા વાકાણી પણ બાપ્પાના દર્શન કરવા માટે લાલબાગ ચા રાજા ગણેશ પંડાલ પહોંચી હતી.
ચાહકો ઓળખી જતાં દિશા વાકાણીએ મોઢું છુપાવ્યું
દિશા વાકાણી એટલે કે દયાબેનને જોતા જ ચાહકો ભેગા થઈ ગયા હતા. ઓળખી જતાં દિશા વાકાણીએ તરત જ માસ્કથી મોઢું છુપાવી લીધું હતું અને કેમેરાથી બચતી જોવા મળી હતી. લાંબા સમય બાદ દિશા વાકાણી આ રીતે જાહેરમાં જોવા મળી હતી. આ પહેલા રક્ષાબંધન પર અસિત મોદી સાથેની તેમની તસવીરો વાઈરલ થઈ હતી.