Ramayanam Movie Controversy: નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી મેગા-બજેટ ફિલ્મ 'રામાયણમ્' (Ramayana) ભલે બોક્સ ઓફિસ પર સફળતાના નવા રેકોર્ડ સ્થાપી રહી હોય, પરંતુ હવે આ ફિલ્મને લઈને વિવાદનો વંટોળ ઉભો થયો છે. ફિલ્મમાં રાવણના પાત્રનું મહિમામંડન કરવા અને ભગવાન શ્રીરામને અલગ રીતે દર્શાવવા બદલ 'હિન્દુ જનજાગૃતિ સમિતિ' (HJS) એ આકરો વિરોધ નોંધાવ્યો છે. 5 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ પર ગંભીર વાંધો ઉઠાવતા સમિતિએ હિન્દુ સમાજને અપીલ કરી છે કે તેઓ થિયેટરોમાં આ ફિલ્મ જોવા ન જાય અને તેનો બહિષ્કાર કરે.
'કમ્યુનિસ્ટ એજન્ડા' ગણાવી ચેપ્ટર-2 પહેલા ફિલ્મ બતાવવાની માંગ
હિન્દુ જનજાગૃતિ સમિતિનો દાવો છે કે નિર્દેશક નિતેશ તિવારીએ મહર્ષિ વાલ્મીકિની મૂળ રામાયણને તોડી-મરોડીને સ્ક્રીન પર અલગ જ સ્વરૂપે રજૂ કરી છે. આ ફિલ્મને 'કમ્યુનિસ્ટ એજન્ડા' ગણાવતા સમિતિએ મેકર્સને સીધી ચેતવણી આપી છે કે જો 'રામાયણમ્'નો બીજો ભાગ (ચેપ્ટર-2) રિલીઝ થાય તે પહેલા તેમને ફિલ્મ બતાવવામાં નહીં આવે, તો સમગ્ર દેશમાં ફિલ્મ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
સેન્સર બોર્ડની કામગીરી પર પણ ઉઠાવ્યા સવાલ
સમાચાર એજન્સી IANS ના અહેવાલ મુજબ, મંગળવારે હિન્દુ જનજાગૃતિ સમિતિના કોઓર્ડિનેટર મનોજ સોલંકીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, 'રામાયણમ્'માં એવા અનેક દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે, જે કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. તેમણે મેકર્સની 'ક્રિએટિવ ફ્રીડમ' ની દલીલને પડકારતા કહ્યું કે રામાયણ એ લાખો લોકોની આસ્થાનો વિષય છે.
સોલંકીએ સેન્સર બોર્ડ પર પણ આરોપ લગાવતા કહ્યું કે બોર્ડે ધાર્મિક પાસાઓને યોગ્ય રીતે સમજ્યા અને તપાસ્યા વિના જ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે. તેમણે 'મેસેન્જર્સ ઓફ ગોડ', 'ધ દા વિન્ચી કોડ' અને 'કમાલ-ધમાલ માલામાલ' જેવી ફિલ્મોમાં ખ્રિસ્તી સમુદાયના સંદર્ભોનો ઉલ્લેખ કરીને સવાલ ઉઠાવ્યો હતો કે હિન્દુઓની ભાવનાઓનું કેમ ધ્યાન રાખવામાં આવતું નથી.
રાવણ, શૂર્પણખા અને શ્રીરામના દ્રશ્યો પર મુખ્ય વાંધો
સમિતિએ ફિલ્મના ચોક્કસ દ્રશ્યો સામે વાંધો ઉઠાવતા નીચે મુજબના ગંભીર મુદ્દાઓ રજૂ કર્યા છે:
રાવણને સામાજિક ન્યાયના પ્રતીક તરીકે દર્શાવ્યો:
સમિતિનો દાવો છે કે ફિલ્મમાં રાવણને ગરીબો અને દબાયેલા લોકોની મદદ કરનાર તરીકે બતાવવામાં આવ્યો છે, જ્યારે તેણે ઋષિ-મુનિઓને પરેશાન કરીને તેમના આશ્રમો તબાહ કર્યા હતા તે હકીકત છુપાવવામાં આવી છે.
મહિલાઓની ગરિમા અંગે વિરોધાભાસ:
રાવણને મહિલાઓની ગરિમા માટે લડનાર તરીકે બતાવવામાં આવ્યો છે, જે સીતા હરણ અને અન્ય મહિલાઓ સાથેના તેના દુર્વ્યવહારની મૂળ કથાથી તદ્દન વિપરીત છે.
શ્રીરામ અને લક્ષ્મણના પાત્રોનું ચિત્રણ:
શૂર્પણખાનું નાક કાપવા બદલ ભગવાન શ્રીરામ લક્ષ્મણને ઠપકો આપતા હોય અને શ્રીરામ ખર તથા દૂષણની માફી માંગતા હોય તેવા દ્રશ્યો પર સમિતિએ સખત નારાજગી વ્યક્ત કરી છે.
મનોજ સોલંકીએ સ્પષ્ટ કર્યું કે મહર્ષિ વાલ્મીકિ રચિત અસલી રામાયણમાં આવી કોઈ જ બાબતોનો ઉલ્લેખ નથી, પરંતુ નિર્દેશકે પોતાની આધુનિક વિચારસરણી થોપવાનો પ્રયાસ કર્યો છે.
