Malhar - Puja: ગુજરાતી ફિલ્મના લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને તેમની પત્ની પૂજા જોષીએ લગ્નના લગભગ સાત મહિના બાદ એક ખુશખબરી આપી છે, જેનાથી તેમના ચાહકો અને ગુજ્જુ સેલેબ્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. મલ્હાર અને પૂજાએ સોશિયલ મીડિયામાં પેરેન્ટ્સ બનવા અંગે પોસ્ટ શૅર કરી હતી. બંનેએ ગયા વર્ષે 26 નવેમ્બરે અમદાવાદમાં ધામધૂમથી લગ્ન કર્યાં હતાં.
અભિનેતાએ આ પોસ્ટ કરી
મલ્હાર અને પૂજાએ શૅર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, અમારો પરિવાર હવે થોડો મોટો બની રહ્યો છે. હાલમાં અમે ઘણા જ ખુશ છીએ અને અમને આ જાહેરાત કરતાં ઘણો જ એટલે ઘણો જ આનંદ થઈ રહ્યો છે. અમારી નાનકડી સુંદર દુનિયા હવે ત્રણ લોકોની બની રહી છે. અમે ઘણા સમયથી આ સપનું જોઈ રહ્યા હતા અને ટૂંક સમયમાં અમારા જીવનનું નવું સપનું સાકાર થશે. નવા આનંદ ને ઊંઘ વગરની રાતો માટે અમે તૈયાર છીએ. બહુ જ બધો પ્રેમ…
આ ખુશખબરી મળતા જ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અનેક કલાકારો અને તેમના ચાહકોએ તેમને શુભેચ્છાઓ અને પ્રેમનો વરસાદ કર્યો છે.
મલ્હાર-પૂજાની લવસ્ટોરી
પૂજા જોશી મૂળ મુંબઈની છે અને ગુજરાતી ફિલ્મમાં કામ કરે છે. કોરોનાકાળમાં એક્ટ્રેસે મલ્હાર સાથે વેબસિરીઝ ‘વાત વાતમાં’માં કરી હતી. આ સિરીઝથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યાં અને પછી પ્રેમમાં પડ્યાં. ત્યારબાદ બંનેએ ‘લગ્ન સ્પેશિયલ’ અને ‘વીર ઈશાનું સીમંત’માં સાથે કામ કર્યું.

2024માં કર્યા હતા લગ્ન
મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ ગયા વર્ષે 26 નવેમ્બરે લગ્ન કર્યાં હતાં. લગ્નનાં ફંક્શન ત્રણ દિવસ ચાલ્યાં હતાં, જેમાં મહેંદી, હલ્દી, સંગીત, લગ્ન તથા રિસેપ્શન યોજવામાં આવ્યાં હતાં. મલ્હાર-પૂજાનાં લગ્ન-રિસેપ્શનમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક સેલિબ્રિટી આવી હતી. રિસેપ્શનમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ હાજર રહ્યા હતા.