Khajur Bhai Instagram live: ખજૂર ભાઈનો રૌદ્ર અવતાર જોઈ ચાહકો ફફડી ઉઠ્યા: લાઈવમાં આક્રોશ બતાવ્યા બાદ વાત કંઇક અલગ જ નિકળી…

નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈએ પોતાની માર્કેટિંગ કુશળતાથી લાઈવમાં લાખો લોકોને તો ભેગા કરી લીધા, પરંતુ લાલા આહિર સાથેના વિવાદનો મામલો હજુ પણ શાંત પડ્યો નથી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 20 Mar 2026 12:48 PM (IST)Updated: Fri, 20 Mar 2026 12:48 PM (IST)
nitin-jani-aka-khajur-bhai-instagram-live

Khajur Bhai Instagram live: ગુજરાતના લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર નીતિન જાની (ખજૂર ભાઈ) હંમેશા પોતાના અનોખા અંદાજ માટે જાણીતા છે. જોકે, ગુરુવારે સાંજે જ્યારે તેઓ સોશિયલ મીડિયા પર લાઈવ થયા, ત્યારે તેમનો અંદાજ જોઈને સૌ કોઈ ડરી ગયા હતા. વિખેરાયેલા વાળ, ચહેરા પર લાલચોળ આક્રોશ અને ઊંચા અવાજે વાત કરતા નીતિન જાનીને જોઈને એવું લાગતું હતું કે તેઓ અત્યંત ગુસ્સામાં છે.

શરૂઆતની મિનિટોમાં સર્જાયો ભારે સસ્પેન્સ

લાઈવ શરૂ થતાની સાથે જ ખજૂર ભાઈએ 'હર હર મહાદેવ' ના નાદ સાથે લોકોને જોડાવા હાકલ કરી હતી. તેમણે આક્રમક અવાજે કહ્યું, "આવો બધા… જલ્દી આવો! આજે ખજૂર ભાઈ તમને બતાવશે કે લાઈવ કેમ કરાય અને લાઈવમાં શું બોલાય." આ શબ્દો સાંભળીને જોનારા લોકોને એમ લાગ્યું કે નીતિન જાની તાજેતરમાં તેમના પર લાગેલા ગંભીર આરોપોનો જડબાતોડ જવાબ આપવાના મૂડમાં છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર લાલા આહિર સાથેના વિવાદને લીધે નીતિન જાની ટ્રોલ થઈ રહ્યા હતા.

આરોપોના જવાબની હતી અપેક્ષા, પણ નિકળી જાહેરાત

ચાહકોને એવી પ્રબળ શક્યતા જણાતી હતી કે નીતિન જાની લાલા આહિર દ્વારા લગાવવામાં આવેલા હુમલાના આરોપો પર સ્પષ્ટતા કરશે. પરંતુ જેવો વીડિયો આગળ વધ્યો, ખજૂર ભાઈનો ગુસ્સો અચાનક ગાયબ થઈ ગયો અને તેઓ હસવા લાગ્યા. અંતે જાણવા મળ્યું કે આ આખી આક્રમકતા માત્ર તેમના નવા બિઝનેસ એટલે કે 'ખજૂર ભાઈ મસાલા' ની જાહેરાત માટેનો એક ભાગ (માર્કેટિંગ ગિમિક) હતી. તેમણે પોતાના મસાલાની બ્રાન્ડનું પ્રમોશન કરીને લાઈવ પૂર્ણ કર્યું હતું.

શું છે લાલા આહિર અને નીતિન જાનીનો વિવાદ?

ખજૂર ભાઈ ભલે આ લાઈવને માત્ર એક જાહેરાત ગણાવતા હોય, પરંતુ વાસ્તવિકતામાં તેમના પર લાગેલા આરોપો ઘણા ગંભીર છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર લાલા આહિરે નીતિન જાની અને તેમના ભાઈ તરુણ જાની પર હુમલો કરાવવાનો આરોપ લગાવ્યો છે. લાલા આહિરના જણાવ્યા મુજબ, તેમને સમાધાન કરવાના બહાને સાવરકુંડલા પાસે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં યુવરાજ નામના વ્યક્તિ સાથે બોલાચાલી થયા બાદ, ત્રણ ગાડીઓમાં આવેલા અજાણ્યા શખ્સોએ લાલા આહિરની કાર પર હુમલો કર્યો અને તોડફોડ કરી. લાલા આહિરે પોતાની તૂટેલી કારના વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે આ હુમલો નીતિન જાનીના ઈશારે કરવામાં આવ્યો છે.

જોકે, આ ગંભીર સવાલો અને પોલીસ ફરિયાદની ચર્ચાઓ વચ્ચે નીતિન જાનીએ હજુ સુધી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરી નથી. તેમના ચાહકો બે વર્ગમાં વહેંચાઈ ગયા છે; એક વર્ગ તેમને સમર્થન આપી રહ્યો છે, જ્યારે બીજો વર્ગ કહી રહ્યો છે કે ગંભીર વિવાદ સમયે આવી મજાક કે જાહેરાત કરવી યોગ્ય નથી.

નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈએ પોતાની માર્કેટિંગ કુશળતાથી લાઈવમાં લાખો લોકોને તો ભેગા કરી લીધા, પરંતુ લાલા આહિર સાથેના વિવાદનો મામલો હજુ પણ શાંત પડ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે શું ખજૂર ભાઈ ભવિષ્યમાં આ કાયદાકીય અને સામાજિક વિવાદ પર કોઈ ગંભીર નિવેદન આપે છે કે પછી 'કોમેડી' ના ઓઠા હેઠળ મૌન સેવે છે.