Kinjal Dave: ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે અને અભિનેતા-બિઝનેસમેન ધ્રુવિન શાહના ગોળધાણા (સગાઈ)ના ભવ્ય સમારોહમાં અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. પરંતુ આ પ્રસંગમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું 'ખજૂરભાઈ' તરીકે જાણીતા સેવાભાવી કલાકાર નીતિન જાનીની ઉપસ્થિતિએ. નીતિન જાની પોતાની પત્ની મીનાક્ષી દવે સાથે આ પ્રસંગમાં હાજર રહ્યા હતા અને નવયુગલને આશીર્વાદ આપ્યા હતા.
અમદાવાદમાં યોજાયેલા આ ભવ્ય ફંક્શનમાં ગુજરાતના મનોરંજન જગતના દિગ્ગજ કલાકારો ઉમટી પડ્યા હતા. નીતિન જાની (ખજૂરભાઈ) જ્યારે મંચ પર પહોંચ્યા ત્યારે કિંજલ દવે અને ધ્રુવિન શાહે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ખજૂરભાઈએ નવદંપતી સાથે ફોટા પડાવ્યા હતા અને સોશિયલ મીડિયા પર શેર કરી તેમને શુભકામનાઓ પાઠવી હતી.

મસ્તી અને મજાકની પળો
નીતિન જાની અને કિંજલ દવે વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો જાણીતા છે. અગાઉ પણ તેમના મજાક-મસ્તીના વીડિયો વાયરલ થતા રહ્યા છે. આ પ્રસંગે પણ નીતિન જાનીએ પોતાની અનોખી શૈલીમાં કિંજલના પિતા લલિતભાઈ દવે અને પરિવાર સાથે મુલાકાત કરી હતી. કિંજલ અને ધ્રુવિનના ગરબાના વીડિયોમાં પણ ખજૂરભાઈના આગમનથી ચાર ચાંદ લાગી ગયા હતા. નીતિન જાનીના આગમનથી કિંજલ દવેના આ પ્રસંગમાં ચર્ચા વધી ગઈ હતી. તેમના ચાહકો પણ બંને કલાકારોને એક જ ફ્રેમમાં જોઈને ખુશ થયા હતા.

