Navratri 2024: 'કચ્છી કોયલ' ગીતા રબારી 10 દિવસ મુંબઈમાં બોલાવશે ગરબાની રમઝટ, ડૉમ્બિવલીમાં 'નમો રમો નવરાત્રી'નું આયોજન

ગીતા રબારીનું 'મુંબઈ મોટું શેર, મારું સાસરું રે લોલ' ગીત મચાવી રહ્યું છે ધૂમ, સોશિયલ મીડિયામાં 1.96 લાખ લાઈક મળી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Sep 2024 04:33 PM (IST)Updated: Wed, 25 Sep 2024 04:33 PM (IST)
navratri-2024-gujarati-singer-geeta-rabari-to-celebrate-namo-ramo-navratri-in-dombivli-10-days-of-festivities-in-mumbai

Geeta Rabari, Navratri 2024: માતાજીની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી, જેને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખેલૈયાઓ ગરબા રમવા અત્યારથી આતુર થઈ ગયા છે. ગુજરાતના નાના-મોટા તમામ શહેરોમાં હાલ ગરબાના ક્લાસમાં મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે. એવામાં ગરબા રમવાની અસલ મજા, તો ત્યારે જ આવે જ્યારે સામે ગરબા ગાનાર સિંગર સારો હોય. આ વર્ષે પણ ગુજરાતના મોટાભાગના ગરબા સિંગર્સના નવરાત્રી સ્લોટ બુક થઈ ગયા છે. જે પૈકી કચ્છી કોયલ તરીકે ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાં જાણીતા ગીતાબેન રબારી આ વર્ષે મુંબઈમાં પરફોર્મ કરવાના છે.

હકીકતમાં ગીતાબેન રબારીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને પોતાના નવરાત્રીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જેમાં આગામી 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર દરમિયાન ગીતા રબારી મુંબઈના ડોમ્બીવલીમાં ધૂમ મચાવશે. ગીતા રબારીના નવરાત્રી કાર્યક્રમને પણ 'નમો રમો નવરાત્રી 2024' નામ આપવામાં આવ્યું છે.

અઠવાડિયા અગાઉની પોતાની અન્ય એક પોસ્ટમાં ગીતા રબારીએ પોતાના નોનસ્ટોપ ગરબાની ક્લિપ મૂકી છે. જેના શબ્દો છે 'મુંબઈ મોટું શહેર, મારું સાસરું રે લોલ' આ ગીતને પણ 1.96 લાખ કરતાં વધારે લાઈક મળી ચૂકી છે.

ગત વર્ષે 'છોગાળા રે નવરાત્રી ઉત્સવ’માં ગીતા રબારીએ ધૂમ મચાવી હતી
ગત વર્ષે પણ મુંબઈના અંધેરી ઈસ્ટમાં મહાકાલી ગુફા રોડ પર આવેલ હૉલી ફેમિલી સ્કૂલમાં નવરાત્રી મહોત્સવમાં ગીતા રબારીએ મુંબઈગરાઓને પોતાના તાલ પર નચાવ્યા હતા. ભાજપ નેતા મુળજી પટેલ દ્વારા 'છોગાળા રે નવરાત્રી ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગીતા રબારીએ ધૂમ મચાવી હતી.

નોંધનીય છે કે, નવરાત્રીની વાત આવે એટલે ટોપ-5 ગરબા ગાયકો પૈકી ગીતા રબારી એક છે. 'રોણા શેર મા' ગીતથી લોકપ્રિય થયેલ ગીતા રબારી મોટાભાગે કચ્છી ભાતિગળ પોશાકમાં જ જોવા મળતા ગીતા રબારીની ફેશન સેન્સ પણ અદ્દભૂત છે. ગીતા રબારી ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની અલગ-અલગ તસવીરે શેર કરતા રહે છે.