Laalo In Cinema: ગુજરાતી ફિલ્મ 'લાલો'ની જબરદસ્ત લહેર, સિનેમાઘરમાં 50 દિવસ પુરા કર્યાં; 100 કરોડના માઈલસ્ટોનને આંબી જશે

મોટાભાગે કોઈ પણ ફિલ્મ બૉક્સ ઑફિસ પર રિલીઝ થાય, તો પહેલા ત્રણ કે ચાર અઠવાડિયા બાદ થિયેટરોમાં કાગડા ઉડવા લાગતા હોય છે અને ફિલ્મની કમાણી પણ ઘટી જતી હોય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 28 Nov 2025 10:50 PM (IST)Updated: Sat, 29 Nov 2025 11:18 AM (IST)
laalo-shree-krishna-sada-sahaayate-gujarati-film-enters-8th-week-in-cinemas
HIGHLIGHTS
  • 'લાલો' ફિલ્મનો 8માં સપ્તાહમાં પ્રવેશ, હજુ પણ બોક્સ ઑફિસ પર મચાવી રહી છે ધૂમ
  • થિયેટરમાં ત્રીજા સપ્તાહ પછી 'લાલો' પર વરસી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા

Laalo Shree Krishna Sada Sahaayate: વર્ષ 2025ને પૂરું થવામાં હવે માત્ર એક મહિનો જ બાકી બચ્યો છે, ત્યારે આ વર્ષે બોલિવૂડ અને સાઉથની અનેક મોટી ફિલ્મો રિલીઝ થઈ. જેમકે કાંતારા ચેપ્ટર-1, છાવા અને છેલ્લે સૈયારા, પરંતુ માંડ 50 લાખના બજેટમાં બનેલી ગુજરાતી ફિલ્મ રિલીઝ થયાને 50 દિવસ પુરા થઈ ગયા છે. 8માં સપ્તાહમાં પ્રવેશ કરી રહેલી આ ફિલ્મને હજુ પણ દર્શકોનો ભરપુર પ્રેમ મળી રહ્યો છે.

ગત 10 ઓક્ટોબરના રોજ રિલીઝ થયેલી 'લાલોઃ શ્રીકૃષ્ણ સદા સહાયતે' ફિલ્મે આ સાથે જ સિનેમાઘરોમાં 50 દિવસ સફળતાપૂર્વક પૂરા કરી લીધા છે. માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ વિદેશોમાં જ્યાં-જ્યાં આ ફિલ્મ રિલીઝ થાય છે, ત્યાં લોકો થિયેટરો હાઉસફૂલ જોવા મળી રહ્યા છે.

'લાલો' ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થવાની છે. જો કે ઘણાં બૉલિવૂડ દિગ્ગજો તેમજ ફિલ્મ વિવેચકો અને યુ-ટ્યુબર પર રિવ્યૂ આપતા હોય તેવા નોન ગુજરાતી લોકો પણ આ ફિલ્મને વખાણી ચૂક્યા છે. 'લાલો' ફિલ્મ સબ ટાઈટલ્સ વિના જોઈને પણ લોકો તેના વખાણ કરી રહ્યા છે અને તેને 'કાંતારા' અને બાહુબલીને કેટેગરીમાં મૂકી રહ્યા છે.

મોટાભાગે કોઈ પણ ફિલ્મ બૉક્સ ઑફિસ પર રિલીઝ થાય, તો પહેલા ત્રણ કે ચાર અઠવાડિયા બાદ થિયેટરોમાં કાગડા ઉડવા લાગતા હોય છે અને ફિલ્મની કમાણી પણ ઘટી જતી હોય છે. જેનાથી વિપરિત માત્ર 50 લાખના બજેટમાં બનેલી 'લાલો' ફિલ્મ પહેલા ત્રણ અઠવાડિયા સુધી ખાસ દર્શકો નહતા મળ્યા.

જો કે ત્રીજા અઠવાડિયા બાદ આ ફિલ્મ પર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા વરસી હોય તેમ કલેક્શન 15 કરોડને પાર પહોંચી ગયું હતુ. જે બાદ આ ફિલ્મે કમાણીની બાબતમાં પાછું વળીને નથી જોયું. ગત સાતમા સપ્તાહ દરમિયાન આ ફિલ્મે 17.50 કરોડ રૂપિયાની કમાણી કરવા સાથે અત્યાર સુધીમાં 95 કરોડ જેટલું જંગી કલેક્શન કરી ચૂકી છે. આગામી 8માં સપ્તાહે આ ફિલ્મ ચોક્કસ 100 કરોડના માઈલસ્ટોનને આંબી જશે.