Laalo Krishna Sada Sahayate: દિવાળીના તહેવારો દરમિયાન 10 ઓક્ટોબરના રોજ રિલીઝ થયેલી 'લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે' નામની ગુજરાતી ફિલ્મ શરૂઆતના દિવસોમાં બોક્સ ઑફિસ પર ડચકાં ખાધા હતા. જો કે રિલીઝના બે સપ્તાહ બાદ આ ફિલ્મ એકાએક ઉપડી એટલે એવી કે ટૂંક સમયમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જાય તો પણ નવાઈ નહીં થાય.
ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર બની ચૂકી છે. હજુ પણ આ ફિલ્મને દર્શકોનો ભરપુર પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મને ગુજરાતની જાણીતી હસ્તીઓએ તો વખાણી જ છે, પરંતુ બૉલિવૂડના દિગ્ગજ ફિલ્મ મેકર સુભાષ ધાઈ પણ આ ફિલ્મની પ્રસંશા કરી ચૂક્યા છે. આથી જ આ ફિલ્મ આગામી દિવસોમાં હિન્દીમાં પણ રિલીઝ થવા જઈ રહી છે.
'લાલો' ફિલ્મ રિલીઝ થયાના આટલા દિવસો વીત્યા હોવા છતાં આજે પણ ગુજરાતીઓ આ ફિલ્મ થિયેટરમાં જોવા જઈ રહ્યા છે. આજ કારણોસર આ ફિલ્મ અમેરિકા, કેનેડા, ઑસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોમાં પણ રિલીઝ કરવામાં આવી હતી. જ્યાં પણ આ ફિલ્મને દર્શકોનો સારો એવો પ્રતિસાદ સાંપડ્યો હતો. હવે આવતીકાલથી આ ફિલ્મ આફ્રિકાના દેશો તેમજ ખાડી દેશોમાં રિલીઝ થવા જઈ રહી છે.
આ ફિલ્મમાં 'તુલસી'ની ભૂમિકા ભજવતી રીવા રાચ્છે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, અત્યારે 'લાલો' ફિલ્મ ભારત ઉપરાંત અમેરિકા અને યુકે જેવા અલગ-અલગ દેશોમાં ધૂમ મચાવી રહી છે. હવે ગલ્ફ કન્ટ્રીઝમાં પણ અમારી ફિલ્મ રિલીઝ થવાની છે. 28 નવેમ્બરના રોજ યુએઈ, ઓમાન, કતાર, કુવૈત અને બહેરીન જેવા ખાડી દેશોમાં 'લાલો' ફિલ્મ રિલીઝ થશે.
આવી જ રીતે 'લાલો' ફિલ્મમાં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવતા શ્રૃહદ ગોસ્વામીએ પણ જાહેરાત કરતા જણાવ્યું કે, અમારી ફિલ્મ હવે આફ્રિકામાં પણ રિલીઝ થવાની છે. 28 નવેમ્બરથી કેન્યા, તાન્ઝાનિયા, યુગાન્ડા, ઘાના, અંગોલા, મડાગાસ્કર, કોંગો અને નાઈજીરિયા સહિતના દેશોમાં લાલો ફિલ્મ રિલીઝ થશે.
