Laalo-Krishna Sada Sahayate: વર્ષ 2025 ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માટે શાનદાર રહ્યું છે. વીતેલા વર્ષમાં 'લાલો-કૃષ્ણ સદા સહાયતે(Laalo-Krishna Sada Sahayate)'એ બોક્સ ઓફિસ પર અનેક દિગ્ગજ ફિલ્મોને પાછળ છોડી દીધી અને કમાણી તથા લોકપ્રિયતાની બાબતમાં તમામ નવા રેકોર્ડ સ્થાપિત કર્યાં છે.
ધુરંધર, છાવા, સૈયારા અને કાંતારા ચેપ્ટર 1 જેવી બ્લોકબસ્ટર ફિલ્મો રિલીઝ થવા છતાં ગુજરાતી ફિલ્મ લાલો-સદા સહાયતે ફક્ત રૂપિયા 50 લાખના બજેટમાં રિલીઝ થઈ હતી અને ભારતમાં વર્ષ 2025માં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ તરીકે ઉભરી આવી હતી.
આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર રૂપિયા 100 કરોડના આંકડાને પાર કરી આશરે રૂપિયા 120 કરોડની કમાણી કરી લીધી છે. ટકાવારીની દ્રષ્ટિએ તેનો સ્ટ્રાઈક રેટ 24000 ટકા નફો રહ્યો છે. હવે આ ફિલ્મ હિન્દી ભાષામાં આગામી 9મી જાન્યુઆરીના રોજ દેશભરના થિએટર પર આવશે.
'લાલો: કૃષ્ણા સદા સહાયતે' માટે કોઈ મોટી સ્ટાર કાસ્ટ, શાનદાર ગીતો અને નૃત્યો કે એક્શન સિક્વન્સની જરૂર ન હતી, છતાં દર્શકોએ તેને ખૂબ જ પસંદ કર્યું અને તેને વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ બનાવી દીધી.
આ ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મો પૈકીની એક બની ગઈ છે. આ અગાઉ સિક્રેટ સુપરસ્ટારએ લગભગ 6000 ટકા નફાની કમાણી કરી હતી.
'લાલો-કૃષ્ણ સદા સહાયતે'ની ભવ્ય સફળતા દર્શાવે છે કે ઓછા બજેટની ભક્તિમય સ્ટોરી પણ મોટા પ્રમાણમાં દર્શકોને આકર્ષિત કરી શકે છે, ખાસ કરીને જ્યારે ભાવનાત્મક અને સાંસ્કૃતિક જોડાણની વાત આવે છે. જો કે ધુરંધર અને છાવા જેવી મોટી ફિલ્મોએ પણ નોંધપાત્ર કમાણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ દિગ્દર્શક અંકિત સખિયાને 'લાલો' ફિલ્મ બનાવવાનો વિચાર ત્યારે જ આવ્યો કે જ્યારે તેમની 6-7 કરોડ અને 1 કરોડના બજેટની સ્ક્રિપ્ટોને નિર્માતા તરફથી ભંડોળ ન મળ્યું. ઘણા લોકોને એ વાત પર વિશ્વાસ ન હતો કે 25-26 વર્ષનો યુવાન આટલી મોટી ફિલ્મનું નિર્દેશન કેવી રીતે કરી શકે. આ પડકારનો સામનો કરવા, તેમણે ઓછા ખર્ચે એક સારો અને ગુણવત્તાસભર પ્રોજેક્ટ બનાવવાનો નિશ્ચય કર્યો, જેના પરિણામે 'લાલો' ફિલ્મનું સર્જન થયું.
