Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સ્થાન મેળવનાર 'લાલો - કૃષ્ણ સદા સહાયતે' (Laalo - Krishna Sada Sahaayate) હાલ ચારેકોર ચર્ચામાં છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે, ત્યારે દર્શકોમાં ફિલ્મના મેકિંગને લઈને પણ અનેક સવાલો છે. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ ફિલ્મમાં ઈશ્વર તરીકે શ્રીકૃષ્ણને જ કેમ પસંદ કરવામાં આવ્યા? શંકર ભગવાન કે અન્ય દેવતા કેમ નહીં? આ અંગે ફિલ્મના દિગ્દર્શક અંકિત સખિયાએ એક રસપ્રદ ખુલાસો કર્યો છે.
'મને 1 માણસ અને 1 કેમેરો આપો…'
આ પણ વાંચો
ફિલ્મના સર્જનની યાત્રા વિશે વાત કરતા ડિરેક્ટર અંકિત સખિયા જણાવે છે કે, શરૂઆતમાં તેમની પાસે સાધનો મર્યાદિત હતા. તેઓ અવારનવાર કહેતા હતા કે, 'મને માત્ર 1 માણસ, 1 કેમેરો અને 1 ઘર આપો, હું ફિલ્મ શૂટ કરી લઈશ.' ફિલ્મ બનાવવા માટેનો તેમનો જુસ્સો પ્રબળ હતો. ત્યારબાદ તેમણે લેખક અને અભિનેતા કરણ જોશી સાથે મળીને વાર્તા પર કામ શરૂ કર્યું. ચર્ચા દરમિયાન તેમને વિચાર આવ્યો કે આ ફિલ્મમાં સાક્ષાત ઈશ્વરના પાત્રને વણી લેવું જોઈએ.
શંકર ભગવાનથી લઈને શ્રીકૃષ્ણ સુધીની પસંદગી
ફિલ્મમાં કયા ભગવાનને દર્શાવવા તે અંગે અંકિત સખિયાએ જણાવ્યું કે, 'શરૂઆતમાં અમે શંકર ભગવાન વિશે વિચાર્યું હતું. અમે વાર્તામાં અલગ-અલગ દેવી-દેવતાઓને મૂકીને જોયા, પરંતુ અંતે અમને લાગ્યું કે શ્રીકૃષ્ણ જેવી શક્યતા અન્ય કોઈ પાત્રમાં નથી. શ્રીકૃષ્ણ એક 'વર્સેટાઈલ' (બહુઆયામી) ભગવાન છે.'
તેમણે વધુમાં એક ભાવુક વાત કરતા કહ્યું કે, 'ફિલ્મ બની ત્યારે અમને અહેસાસ થયો કે અમે તો માત્ર નિમિત્ત છીએ, ખરેખર તો આ ફિલ્મ ભગવાને જ અમારી પાસે બનાવડાવી છે. શરૂઆતમાં અમે કહેતા હતા કે, 'હે ઈશ્વર તમે અમારા ભાઈબંધ (મિત્ર) બનશો', પરંતુ આ તો ઊલટું થયું, ભગવાને જાણે સામેથી કહ્યું કે તમે મારા મિત્ર બનો.'
શું છે 'લાલો' ફિલ્મની વાર્તા?
ફિલ્મની પટકથા એક સામાન્ય રિક્ષાચાલક 'લાલો' (કરણ જોશી) ની આસપાસ ફરે છે. લાલો પોતાના ભૂતકાળના પાપો, વ્યસન અને આર્થિક તંગી વચ્ચે ઝઝૂમી રહ્યો છે. તેની પત્ની તુલસી (રીવા રાચ્છ) તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ તેની પડખે ઊભી રહે છે. ફિલ્મનો મુખ્ય સંદેશ એ છે કે, 'કોઈ વ્યક્તિ ખરાબ નથી હોતો, માત્ર તેનો સમય ખરાબ હોય છે.' એક અવાવરૂ જગ્યાએ બંધ ઘરમાં ફસાયેલા લાલાને શ્રીકૃષ્ણ કઈ રીતે માર્ગદર્શન આપે છે અને સંકટમાંથી ઉગારે છે, તે આ ફિલ્મમાં અદભુત રીતે દર્શાવવામાં આવ્યું છે.
