Kinjal Rabari News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે દરરોજ નવા-નવા વળાંકો આવી રહ્યા છે. મૈત્રી કરારથી સાથે રહેતા પતિ મુકેશ દેસાઈની ફરિયાદ બાદ પોલીસ તપાસ તેજ થઈ હતી. આ દરમિયાન કિંજલનો એક વીડિયો અને અરજી સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, પરંતુ હજુ સુધી તે પોલીસ સમક્ષ રૂબરૂ નિવેદન આપવા આવી નથી. આથી, હવે અમદાવાદ પોલીસ કિંજલનું લોકેશન મેળવવા માટે ટેકનિકલ તપાસ ચલાવી રહી છે.
સોશિયલ મીડિયા વીડિયો અને અરજી બાદ પણ સસ્પેન્સ
આ પણ વાંચો
6 સપ્ટેમ્બરના રોજ કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની ફરિયાદ મુકેશ દેસાઈ ઉર્ફે નરસિંહ દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ સોશિયલ મીડિયા પર કિંજલનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે પોતાનું અપહરણ થયું હોવાની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. કિંજલે દાવો કર્યો હતો કે તે પોતાની મરજીથી જ પૂર્વ પતિ અશોક ચૌધરી સાથે ગઈ છે. આ ઉપરાંત, પોલીસ કમિશનરને સંબોધીને લખાયેલી એક અરજી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
પોલીસ અધિકારીનું મહત્વનું નિવેદન
તમામ વીડિયો અને અરજીઓ સામે આવ્યા બાદ પણ ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે, "અમને માત્ર અપહરણની જ સત્તાવાર ફરિયાદ મળી છે. કિંજલ રબારીનો વાયરલ વીડિયો અને અરજી અમને સોશિયલ મીડિયા મારફતે જ મળ્યા છે. કિંજલે હજુ સુધી પોલીસ સ્ટેશન આવીને રૂબરૂ કોઈ નિવેદન આપ્યું નથી."
રૂબરૂ નિવેદન બાદ જ થશે આગળની કાર્યવાહી
પી.આઈ. મકવાણાએ વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ હાલ કિંજલ રબારીનું લોકેશન ટ્રેસ કરી રહી છે. લોકેશન મળ્યા બાદ પોલીસ ટીમ તેની સુધી પહોંચશે અને તેનું રૂબરૂ સત્તાવાર નિવેદન નોંધશે. કિંજલ રૂબરૂ આવીને જે નિવેદન આપશે, તેના આધારે જ આગળની કાયદાકીય કાર્યવાહી નક્કી થશે અને સમગ્ર કેસ પરથી રહસ્યનો પડદો ઊંચકાશે.
