"મને કિંજલ પર બહુ વિશ્વાસ હતો": થિયેટરથી અપહરણ સુધીનો સમગ્ર ઘટનાક્રમ મુકેશ દેસાઇની જુબાનીએ

મુકેશે ભારે હૈયે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, તેને કિંજલ પર આંધળો વિશ્વાસ હતો પરંતુ જે બન્યું તેની તેણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 15 Sep 2026 10:16 AM (IST)Updated: Tue, 15 Sep 2026 10:16 AM (IST)
kinjal-rabari-case-mukesh-statement-theater-kidnapping-sequence-of-events
કિંજલ રબારી

Kinjal Rabari Case Update: લોકગાયિકા કિંજલ રબારી સાથે જોડાયેલા હાઇપ્રોફાઇલ વિવાદમાં મુકેશ દેસાઇએ તે દિવસે થિયેટરમાં બનેલી સમગ્ર ઘટનાનો પળેપળનો ચિઠ્ઠો જાહેર કર્યો છે. મુકેશે ભારે હૈયે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, તેને કિંજલ પર આંધળો વિશ્વાસ હતો પરંતુ જે બન્યું તેની તેણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી.

થિયેટરમાં અસ્વસ્થતાનું બહાનું

મુકેશના જણાવ્યા અનુસાર, ઘટનાના દિવસે તેઓ પરિવાર સાથે ફિલ્મ જોવા ગયા હતા. મુવીનો હાફ ઇન્ટરવલ પૂરો થયા બાદ બંને નીચે આવીને નાસ્તો કર્યો અને ફરી હોલમાં ગયા હતા. થોડી જ વારમાં કિંજલે ગભરામણ અને ઉબકા આવતા હોવાનું કહીને વોશરૂમ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે આવેલા સાઢુભાઈ અને સાળીએ પણ વોશરૂમ સુધી આવવાની વાત કરી, પરંતુ કિંજલે "મુકેશ સાથે છે એટલે કોઈ વાંધો નથી" તેમ કહીને અન્ય લોકોને આવવાની ના પાડી દીધી હતી.

ગાડી તરફ જવાનો આગ્રહ અને પાછળથી હુમલો

વોશરૂમ નજીક પહોંચ્યા બાદ કિંજલે વધુ ગૂંગળામણ થતી હોવાનું કહીને થિયેટરમાંથી બહાર ખુલ્લામાં જવા કહ્યું હતું. મુકેશે જ્યારે કિંજલની બહેન જાનકીનો ફોન આવ્યા બાદ ઘરે પરત ફરવાનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે કિંજલે ઘરે જવાને બદલે પાર્કિંગમાં ઊભેલી પોતાની જ ગાડીની એસીમાં બેસવાનો આગ્રહ રાખ્યો હતો.

જ્યારે તેઓ પાર્કિંગમાં ગાડી શોધતા હતા ત્યારે જ આ સમગ્ર ષડયંત્રનો અંજામ આપવામાં આવ્યો હતો. મુકેશે જણાવ્યું કે તે સમયે તે ગાડી શોધવા માટે ફોન હાથમાં લઈને લોકેશન જોઈ રહ્યો હતો. CCTV ફૂટેજમાં પણ તેનો ફોન હાથમાં સ્પષ્ટ દેખાય છે. તે જ સમયે પાછળથી આવેલા અજાણ્યા શખ્સોએ તેને અચાનક પકડી લીધો હતો.

મુકેશે ઉમેર્યું કે, તેને કિંજલની તબિયતની ચિંતા હતી અને તે માત્ર તેને સુરક્ષિત ઘરે પહોંચાડવા માંગતો હતો. તે વ્યક્તિઓ કોણ હતા તેનો તેને કોઈ અંદાજ નહોતો. તેણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે કિંજલ તેના માટે બધું જ હતી અને તેણે તેના પર અનહદ વિશ્વાસ મૂક્યો હતો, પરંતુ આ સ્થિતિનું નિર્માણ થશે તેની તેને સપનેય કલ્પના નહોતી.