Mukesh Desai Mother Statement: સિંગર કિંજલ રબારી અને વિવાદિત લગ્ન પ્રકરણમાં રોજબરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. મુકેશ દેસાઈ (રબારી) બાદ હવે તેમના માતાએ પણ મીડિયા સમક્ષ આવીને પોતાની ગંભીર વ્યથા ઠાલવી છે. કિંજલના બદલાયેલા વલણ અને અચાનક બનેલી ઘટનાથી આઘાતમાં સરેલા માતાએ આંસુ ભરેલી આંખે જણાવ્યું હતું કે, કિંજલે તેમની સાથે જે કર્યું તેનો તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો.
"ક્યારેય શંકા ન ગઈ કે તે આવો દગો કરશે":
આ પણ વાંચો
મુકેશના માતાએ કિંજલ સાથેના પોતાના સંબંધો અને ઘરના વાતાવરણ અંગે વાત કરતાં જણાવ્યું કે, "કિંજલ જ્યારે અમારી સાથે રહેતી હતી ત્યારે તે એકદમ હળીમળીને રહેતી હતી. તેના વર્તનમાં કે હાભાવમાં અમને ક્યારેય એવું લાગ્યું જ નથી કે તેના મનમાં કોઈ કપટ કે દગો હશે. અમને તેના પર સહેજ પણ શંકા નહોતી ગઈ. તે ઘરના દરેક સભ્ય સાથે ખુશખુશાલ વાતાવરણમાં રહેતી હતી."
"મમ્મી તમારી તબિયત કેવી છે... કહીને ફોન કરતી":
વધુમાં માતાએ ભાવુક થઈને ઉમેર્યું કે, જ્યારે પણ તે બહાર હોય કે ઘરથી દૂર હોય ત્યારે સામેથી ફોન કરતી હતી. ફોન કરીને તે ખૂબ જ પ્રેમથી પૂછતી કે, 'મમ્મી તમારી તબિયત કેવી છે? તમે કેમ છો?' હું પણ સામેથી તેની ખબરઅંતર પૂછતી કે 'તું કેમ છે બેટા?', ત્યારે તે હંમેશાં 'હું મજામાં છું' તેવો જ જવાબ આપતી હતી. અમારી વચ્ચે આટલો સહજ અને વહાલસોયો સંવાદ થતો હતો.
અણધાર્યા કદમથી પરિવાર આઘાતમાં:
માતાએ અત્યંત દુઃખી હૈયે સવાલ ઉઠાવ્યો હતો કે, જો તેની સાથે કોઈ પ્રશ્ન હતો કે તે ખુશ નહોતી, તો તેણે આટલી સારી રીતે રહેવાનું નાટક કેમ કર્યું? "તેણે અમારી સાથે આવું કેમ કર્યું અને આટલો મોટો વિશ્વાસઘાત કેમ કર્યો તે અમને હજુ સુધી સમજાતું નથી."
કિંજલના આ અણધાર્યા વલણથી મુકેશનો આખો પરિવાર હાલ ભારે આઘાત અને નિરાશામાં સરી પડ્યો છે. પરિવારનું કહેવું છે કે તેમણે કિંજલને દીકરીની જેમ રાખી હતી, પરંતુ તેની પાછળથી ઘડાયેલા ષડયંત્રે તેમના વિશ્વાસના ટુકડા કરી નાખ્યા છે.
