Kinjal Rabari Case: લોકગાયિકા કિંજલ રબારી અને વિવાદિત લગ્ન પ્રકરણમાં મુકેશ દેસાઈનું વધુ એક ગંભીર અને સણસણતું નિવેદન સામે આવ્યું છે. પોતાના પર લાગેલા જબરજસ્તી અને ગોંધી રાખવાના આરોપોને સખત શબ્દોમાં નકારતાં મુકેશે સ્પષ્ટ કર્યું છે કે, જો તેની સાથે કોઈ બળજબરી કરવામાં આવી હોત, તો તે સીબીડી મોલમાં પોતાની મરજીથી ફિલ્મ જોવા ન ગઈ હોત.
"અમારા લગ્નના ફોટા અને રહન-સહન જ સત્ય દર્શાવે છે"
મુકેશ દેસાઈએ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું કે, "જો કોઈ વ્યક્તિને ગોંધી રાખવામાં આવે કે તેના પર દબાણ કરવામાં આવે તો તે આવી રીતે મોલમાં કે જાહેર સ્થળોએ સાથે ન ફરી શકે. તે મારા પરિવાર સાથે ખૂબ જ સારી અને સ્વાભાવિક રીતે રહેતી હતી. સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ અમારા લગ્નના ફોટા જોઈને પણ કોઈપણ સમજી શકે છે કે તે કેટલી ખુશ હતી. તેનું રહન-સહન અને વર્તન એકદમ સામાન્ય હતું અને અમારા બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું. આ સંજોગોમાં બળજબરી કે દબાણનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી."
વિશ્વાસઘાત અને ગુનાહિત આરોપોનું દુઃખ:
પોતાની વેદના ઠાલવતાં મુકેશે ઉમેર્યું હતું કે, જ્યારે તમે કોઈ વ્યક્તિ પર અંધ વિશ્વાસ મૂકો છો અને તે વિશ્વાસઘાત કરે, પ્લસ તમારી સામે જ જબરજસ્તીના ખોટા ગુનાહિત આરોપો લગાવવામાં આવે, ત્યારે સ્વાભાવિક રીતે ભારે દુઃખ થાય છે. કિંજલના પરિવારજનો પણ મારા પરિવારને મળ્યા હતા અને તેમણે કહ્યું હતું કે "અમે તમારી સાથે છીએ, ચિંતા કરવાની જરૂર નથી."
"મારા માટે સમાજ જ સર્વોપરી છે":
અંતમાં મુકેશે સામાજિક અગ્રણી દિનેશભાઈની વાતને સમર્થન આપતાં જણાવ્યું કે, દિનેશભાઈએ જે પણ મુદ્દા રજૂ કર્યા છે તે અક્ષરસઃ સાચા છે. તેણે ભારપૂર્વક કહ્યું, "મારે મન સમાજ જ પહેલો છે અને હંમેશાં રહેશે. સમાજ છે તો જ અમારું વર્ચસ્વ અને અસ્તિત્વ છે. હું હંમેશાં સમાજના નિર્ણયો અને તેની ગરિમાને પ્રથમ પ્રાધાન્ય આપીશ."
