કપિલ શર્માના પરિવાર પર તોળાતું સંકટ? પહેલા કેનેડા અને હવે અમૃતસરમાં ઘર બહાર ફાયરિંગથી ફફડાટ!

મશહૂર કોમેડિયન કપિલ શર્માના અમૃતસર સ્થિત ઘર બહાર બાઇક સવારોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. ઘટના સમયે તેમનો પરિવાર ઘરમાં જ હાજર હતો. જાણો શું છે સમગ્ર મામલો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 25 May 2026 04:04 PM (IST)Updated: Mon, 25 May 2026 04:04 PM (IST)
kapil-sharma-house-firing-first-in-canada-and-now-in-amritsar-firing-outside-the-house-has-created-a-stir

મનોરંજન જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના પંજાબના અમૃતસર સ્થિત ઘરની બહાર અજાણ્યા બદમાશો દ્વારા કથિત રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલાને પગલે સ્થાનિક વિસ્તાર સહિત કપિલ શર્માના ચાહકોમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

પરિવાર ઘરમાં જ હાજર હતો

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના સોમવારે મોડી રાત્રે અમૃતસરના પોશ વિસ્તાર ગણાતા 'હોલી સિટી'માં બની હતી. મોટરસાઇકલ પર આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ કપિલ શર્માના ઘરની બહાર અચાનક ગોળીબાર કર્યો અને ફરાર થઈ ગયા હતા. રાહતની વાત એ છે કે આ ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા પહોંચી નથી. ઘટના સમયે કપિલ શર્માનો પરિવાર ઘરની અંદર જ હાજર હતો, જ્યારે કપિલ શર્મા પોતે પોતાના શૂટિંગના શિડ્યુલના કારણે મુંબઈમાં હોવાનું જાણવા મળ્યું છે.

કેનેડા કનેક્શન: ખંડણીની આશંકા?

આ ઘટના પાછળ કોઈ મોટી ગેંગ અથવા ખંડણી (Extortion)નો મામલો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ડર પાછળનું મુખ્ય કારણ કેનેડા કનેક્શન છે. થોડા સમય પહેલા જ કેનેડામાં આવેલા 'કપ્સ કેફે' (Cups Cafe)ની બહાર પણ આ જ પ્રકારે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેનેડાની એ પ્રોપર્ટી પણ કપિલ શર્મા સાથે જોડાયેલી છે. આથી, બદમાશો દ્વારા કપિલ શર્મા પાસેથી મોટી રકમ પડાવવા અથવા ડરાવવા માટે આ કાવતરું ઘડાયું હોવાની પ્રબળ શંકા છે.

પોલીસ મૌન, તપાસનો ધમધમાટ

આટલી ગંભીર ઘટના હોવા છતાં સ્થાનિક પોલીસ વહીવટીતંત્ર હાલમાં આ મામલે કંઈપણ સત્તાવાર બોલવાનું ટાળી રહ્યું છે. આ કેસ અંગે જ્યારે અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લર અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) કમલપ્રીત સિંહનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓએ આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, આસપાસના સીસીટીવી ફૂટેજ અને ગુપ્તચરોની મદદથી પોલીસે આ મામલે આંતરિક તપાસ તેજ કરી દીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.