Imran Khan High Court Petition: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના આક્ષેપને પગલે ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) દ્વારા પાઠવવામાં આવેલી 'લીવ ઇન્ડિયા' નોટિસને પડકારતી અભિનેતા ઇમરાન ખાનની અરજી પર બોમ્બે હાઇકોર્ટ 26 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરશે. અમેરિકન નાગરિક અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડધારક ઇમરાન ખાનને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
મુખ્ય ન્યાયાધીશની બેન્ચ સમક્ષ રજૂઆત
આ પણ વાંચો
મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની ખંડપીઠ સમક્ષ ઇમરાન ખાન વતી સિનિયર એડવોકેટ વેંકટેશ ધોન્ડેએ અરજીની તાત્કાલિક સુનાવણી માટે રજૂઆત કરી હતી. આ દરમિયાન હાઇકોર્ટે પૂછ્યું હતું કે શું ઇમરાન ખાન સામે અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે? તેના જવાબમાં વકીલે સ્પષ્ટતા કરી હતી કે તેમની સામે ભૂતકાળમાં કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. ત્યારબાદ કોર્ટે આ મામલે 26 ઓક્ટોબરે સુનાવણી કરવાનું નક્કી કર્યું હતું.
શું છે સમગ્ર વિવાદ?
ગત 10 ઓક્ટોબરે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે મતદાર યાદીના ખાસ સુધારણા (SIR) કાર્યક્રમ સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ પણ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મુંબઈ પોલીસે ઇમરાન ખાનની અટકાયત કરી હતી.
આ ઘટના બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે મુદ્દો ઉઠાવ્યો હતો કે ઇમરાન ખાન અમેરિકન નાગરિક હોવાથી ભારતમાં રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ શકે નહીં. આક્ષેપ મુજબ, કાયદાના ઉલ્લંઘન બદલ તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.
ઇમિગ્રેશન એક્ટ હેઠળ નોટિસ
મુંબઈ પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારે FRRO દ્વારા ઇમરાન ખાનને નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસમાં તેમને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. નોટિસમાં જણાવાયું હતું કે તેમનું કથિત વર્તન 'ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025'ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. નિર્ધારિત સમયમર્યાદામાં દેશ નહીં છોડે તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
ઇમરાન ખાને હાઇકોર્ટમાં શું દલીલ કરી?
હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં ઇમરાન ખાને દલીલ કરી છે કે FRRO દ્વારા તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની કે સાંભળવાની તક આપ્યા વિના જ 'લીવ ઇન્ડિયા' નોટિસ જારી કરવામાં આવી હતી. તેમના મતે, આ કાર્યવાહી OCI કાર્ડધારક તરીકે તેમને મળતા કાનૂની અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
ઇમરાન ખાને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના આક્ષેપોને પણ નકારી કાઢ્યા છે. તેમણે અરજીમાં જણાવ્યું છે કે તેઓ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા નહોતા, પરંતુ સ્થળની નજીક ઊભા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. હવે આ મામલે બોમ્બે હાઇકોર્ટમાં 26 ઓક્ટોબરે થનારી સુનાવણી મહત્વપૂર્ણ રહેશે.
