Imran Khan Leave India Notice: બોલિવૂડ અભિનેતા અને આમિર ખાનના ભાણેજ ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી છે. મુંબઈ પોલીસે તેમને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવા માટે નોટિસ પાઠવી છે. 10 ઓક્ટોબરે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે યોજાયેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં ભાગ લેવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
10 ઓક્ટોબરના રોજ મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં અભિનેતા ઇમરાન ખાન પણ જોડાયા હતા. તે સમયે મુંબઈ પોલીસે ઇમરાન ખાન સહિત અનેક લોકોની અટકાયત કરી હતી. જોકે, બાદમાં સાંજે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસ દરમિયાન ઇમરાન ખાન ભારતીય નાગરિક ન હોવાનું સામે આવ્યું હતું.

ઇમરાન ખાન પાસે છે અમેરિકાની નાગરિકતા
'જાને તૂ... યા જાને ના' અને 'મેરે બ્રધર કી દુલ્હન' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઇમરાન ખાનનો જન્મ 13 જાન્યુઆરી, 1983ના રોજ અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના મેડિસન શહેરમાં થયો હતો. તેમની પાસે અમેરિકન પાસપોર્ટ અને ભારતનું 'ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા' (OCI) કાર્ડ છે.
ભારતમાં OCI કાર્ડધારકોને અનેક સુવિધાઓ મળે છે, પરંતુ તેમને ભારતીય નાગરિકોના તમામ રાજકીય અધિકારો મળતા નથી. વિદેશી નાગરિકો અને OCI કાર્ડધારકો માટે ભારતના રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેવા અંગેના નિયમો લાગુ પડે છે. આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને ઇમરાન ખાન સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
કિરીટ સોમૈયાએ કરી હતી ફરિયાદ
ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આ મામલે મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર મનોજ કુમાર શર્મા અને ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) સમક્ષ ફરિયાદ કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે વિદેશી નાગરિક હોવા છતાં ઇમરાન ખાને રાજકીય વિરોધ પ્રદર્શનમાં કયા આધારે ભાગ લીધો હતો.
કિરીટ સોમૈયાએ ઇમરાન ખાન સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવાની અને તેમને દેશમાંથી પરત મોકલવાની માંગ પણ કરી હતી. આ ફરિયાદ બાદ મુંબઈ પોલીસે ઇમિગ્રેશન સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરીને ઇમરાન ખાનને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા માટે નોટિસ પાઠવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ઇમરાન ખાને આ નોટિસ સ્વીકારી લીધી હોવાનું પણ સામે આવ્યું છે.
અટકાયત પહેલાં ઇમરાન ખાને શું કહ્યું હતું?
પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે તે પહેલાં ઇમરાન ખાને પ્રદર્શનમાં પોતાની હાજરી અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "મારી કોઈ માંગ નથી અને હું કોઈ સંગઠનનું પ્રતિનિધિત્વ કરતો નથી. હું અહીં એક નાગરિક અને આ શહેરમાં રહેતા સામાન્ય માનવી તરીકે આવ્યો છું. લોકોની અવરજવર પર કેમ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે અને લોકોના અવાજને કેમ દબાવવામાં આવી રહ્યો છે તે જોવા માટે હું અહીં આવ્યો છું."
અટકાયત દરમિયાન ઇમરાન ખાને પોલીસ વાનમાંથી એક સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીર સાથે તેમણે લખ્યું હતું, "લાગે છે હું લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યો છું."
બીજી તરફ, ઇમરાન ખાનની પાર્ટનર લેખા વોશિંગ્ટન અને તેમની કઝિન ઝૈન મેરી ખાને પણ પોલીસની કાર્યવાહી દરમિયાન ઈજાઓ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે હવે ઇમરાન ખાનને આપવામાં આવેલી નોટિસ અને તેના પછીની કાયદાકીય કાર્યવાહી પર સૌની નજર છે.
