ઉત્તર ગુજરાતના જાણીતા 'કોમેડી કિંગ' ચંદન રાઠોડનું નામ 'ગુજ્જુ લવ ગુરુ' કેવી રીતે પડ્યું? જાણો તેમની રોચક સફર

'ગુજ્જુ લવ ગુરુ' નામ ધારણ કર્યા બાદ તેમની લોકપ્રિયતામાં મોટો ઉછાળો આવ્યો. તેમના વિડીયો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર શોર્ટ્સ અને રીલ્સ સ્વરૂપે વાયરલ થવા લાગ્યા. ગામડાના યુવાનોથી લઈને વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી દરેક વ્યક્તિ તેમની રમુજી શૈલીના ચાહક બની ગયા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 21 Sep 2026 08:24 AM (IST)Updated: Mon, 21 Sep 2026 08:24 AM (IST)
how-chandan-rathod-got-name-gujju-love-guru-banaskantha-comedy-king
ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડ

Gujju Love Guru Chandan Rathod: ઉત્તર ગુજરાતના વાવ-થરાદ જિલ્લાના સુઇગામ નાના એવા ગામમાંથી આવીને સમગ્ર ગુજરાત અને સોશિયલ મીડિયા જગતમાં પોતાની દેશી કોમેડી અને ખાસ વાચિક શૈલીથી લાખો લોકોના દિલ જીતનારા ચંદન રાઠોડ આજે આપણી વચ્ચે નથી રહ્યા. પરંતુ તેમની અનોખી શૈલી અને 'ગુજ્જુ લવ ગુરુ' (Gujju Love Guru) તરીકેની ઓળખ આજે પણ દરેક ગુજરાતીના મુખે રમતી થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા ચંદન રાઠોડનું નામ ‘ગુજ્જુ લવ ગુરુ’ કેવી રીતે પડ્યું તે કહાની ખૂબ જ રસપ્રદ છે.

કન્ટેન્ટ ક્રિએશનની શરૂઆત અને દેશી અંદાજ

ચંદન રાઠોડ મૂળ વાવ-થરાદના સુઇગામના વતની હતા. શરૂઆતના દિવસોમાં તેઓ સામાન્ય યુવાનની જેમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર નાના-નાના રમુજી વિડીયો બનાવતા હતા. તેઓ કોઈ મોટા સેટ, મોંઘા કેમેરા કે ફાઈવ-સ્ટાર લોકેશનના બદલે ગામડાના ખેતરો, દેશી ખાટલા અને સીધા-સાદા વાતાવરણમાં વિડીયોનું શૂટિંગ કરતા હતા. તેમની વિડીયો બનાવવાની બનાસકાંઠી બોલી અને સહજ અભિનય ક્ષમતાના કારણે સ્થાનિક યુવાનોમાં તેઓ ઝડપથી પ્રખ્યાત થવા લાગ્યા હતા.

કેવી રીતે પડ્યું 'ગુજ્જુ લવ ગુરુ' નામ?

ચંદન રાઠોડ જ્યારે વિડીયો બનાવતા ત્યારે તેઓ ગ્રામીણ અને શહરી યુવાનોની પ્રેમ સંબંધો, બ્રેકઅપ અને પ્રેમમાં પડતી મુશ્કેલીઓ પર ખાસ કોમેડી કન્ટેન્ટ તૈયાર કરતા હતા. યુવાનો જ્યારે પ્રેમમાં પડે ત્યારે તેમને હાસ્યસ્પદ અને દેશી અંદાજમાં 'સલાહ અને ટિપ્સ' આપતા વિડીયો શ્રેણી તેમણે શરૂ કરી હતી.

વિડીયોમાં તેઓ પોતાને રમૂજી અંદાજમાં પ્રેમ વિષયના ‘ગુરુ’ તરીકે રજૂ કરતા અને પ્રેમી પંખીડાઓને દેશી ભાષામાં માર્ગદર્શન આપતા હતા. યુવાનોને તેમની આ સ્ટાઈલ એટલી હદે પસંદ આવી કે લોકો કોમેન્ટ્સમાં તેમને 'લવ ગુરુ' કહીને સંબોધવા લાગ્યા. ગુજરાતની શુદ્ધ દેશી બનાસકાંઠી ભાષા અને ગુજરાતી કલ્ચરનો તડકો હોવાથી તેમણે પોતાની ચેનલ અને સોશિયલ મીડિયા આઈડીનું નામ 'ગુજ્જુ લવ ગુરુ' રાખ્યું હતું. જોતજોતામાં આ નામ તેમનું બ્રાન્ડ નેમ બની ગયું.

ડિજિટલ દુનિયામાં સફળતા અને લોકપ્રિયતા

'ગુજ્જુ લવ ગુરુ' નામ ધારણ કર્યા બાદ તેમની લોકપ્રિયતામાં મોટો ઉછાળો આવ્યો. તેમના વિડીયો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર શોર્ટ્સ અને રીલ્સ સ્વરૂપે વાયરલ થવા લાગ્યા. ગામડાના યુવાનોથી લઈને વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી દરેક વ્યક્તિ તેમની રમુજી શૈલીના ચાહક બની ગયા. તેમણે અનેક લોકલ એક્ટર અને કલાકારો સાથે મળીને ગુજરાતી શોર્ટ મુવીઝ અને કોમેડી શો પણ કર્યા હતા. તાજેતરમાં ભાભર નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં તેમનું અકાળે અવસાન થતાં સોશિયલ મીડિયા ફેન્સ અને મનોરંજન જગતમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે, પરંતુ 'ગુજ્જુ લવ ગુરુ' તરીકેની તેમની ઓળખ હંમેશા લોકોના હૃદયમાં અમર રહેશે.