અકસ્માત બાદ શું થયું? 'ગુજ્જુ લવ ગુરુ' સાથે અથડાયેલા બાઈકસવારે જણાવી આપવીતી; 'અમને ખબર જ નહોતી કે સામે કોણ હતું'

શૂટિંગ પતાવીને ઘરે પરત ફરી રહેલા આશાસ્પદ કલાકારના આકસ્મિક અવસાનથી વાવ-થરાદ અને સુઈગામ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 23 Sep 2026 11:17 AM (IST)Updated: Wed, 23 Sep 2026 11:33 AM (IST)
gujju-love-guru-chandan-rathod-accident-details-suigam-bhabhar
ગુજ્જુ લવ ગુરુ

Gujju Love Guru Bike Accident Details: પોતાની આગવી અને અનોખી કોમેડીથી સમગ્ર ગુજરાતના લોકોના દિલમાં સ્થાન બનાવનાર જાણીતા સોશિયલ મીડિયા ક્રિએટર ‘ગુજ્જુ લવ ગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડનું 17 સપ્ટેમ્બરે ભાભર નજીક હરિધામ ગૌશાળા પાસે માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાના એક અઠવાડિયા બાદ પણ અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે અકસ્માતમાં સામે સામે ભટકાયેલા બાઈકચાલક દશરથ રાઠોડ અને મણા રાઠોડની આ ઘટના અંગેની વિગતો સામે આવી છે. આ અકસ્માતમાં સામેના બાઈક પર સવાર બંને વ્યક્તિઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જાણો કેવી રીતે અકસ્માત સર્જાયો

બાઈકચાલક દશરથ રાઠોડ અને મણા રાઠોડ પોતાના ઘરેથી ભાભર કામે જઈ રહ્યા હતા. બંને પોતાના બાઈક પર બાંધકામમાં વપરાતો આશરે 7 ફૂટનો આડો પાલખ બાંધીને નીકળ્યા હતા. ભાભર નજીક હરિધામ ગૌશાળા પાસે સામેથી પોતાના બાઈક પર આવી રહેલા ચંદન રાઠોડ અચાનક આ આડા રાખેલા પાલખ સાથે અથડાયા હતા. પાલખની ટક્કર એટલી ભીષણ હતી કે ચંદન રાઠોડ ઘટનાસ્થળે જ પડી ગયા હતા અને તેમનું બાઈક 25 ફૂટ દૂર જઈ પડ્યું હતું. મણાભાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોઈ ઈરાદાપૂર્વક બાઈક અથડાવે નહીં, આ એક કમનસીબ અને કુદરતી ઘટના બની ગઈ છે.

અકસ્માત બાદની સ્થિતિ વિશે જાણો

બાઈકચાલક દશરથે જણાવ્યું કે, અકસ્માત થતાં જ તેઓ બંને પણ નીચે પડી ગયા હતા. દશરથના માથામાંથી લોહી વહી રહ્યું હતું અને મણાભાઈને પગ તથા કમરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. પોતાના માથામાં વાગ્યું હોવા છતાં દશરથે બાજુમાં આવેલ ગેરેજ પર જઈને મદદ માંગી હતી અને ત્યારબાદ દવાખાને જઈને માથે પાટો બંધાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલ પહોંચ્યા અને સોશિયલ મીડિયા દ્વારા સમાચાર મળ્યા ત્યાં સુધી તેમને ખબર જ નહોતી કે સામે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિ ‘ગુજ્જુ લવ ગુરુ’ હતા.

મદદનીશ કમાલખાન મલિકનો ઘટસ્ફોટ

ઘટના સ્થળેથી પસાર થઈ રહેલા કમાલખાન મલિક નામના વ્યક્તિએ જણાવ્યું કે, તેઓ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ પુરાવીને પહોંચ્યા ત્યારે ગુજ્જુ લવ ગુરુ માટે 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. સ્થાનિકોની મદદથી મણાભાઈને બાઈક પર બેસાડી રાજારામ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સુઈગામમાં શોકનું મોજું ફરી વળ્યું

શૂટિંગ પતાવીને ઘરે પરત ફરી રહેલા આશાસ્પદ કલાકારના આકસ્મિક અવસાનથી વાવ-થરાદ અને સુઈગામ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. સુઈગામ ખાતે નીકળેલી તેમની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં ચાહકો અને ગ્રામજનો જોડાયા હતા અને આંસુઓ સાથે પોતાના વહાલા 'ગુજ્જુ લવ ગુરુ'ને આખરી વિદાય આપી હતી.