Damru Trailer: ઢોલીવુડના પ્રેક્ષકો માટે હાસ્યનો એક નવો અને મનોરંજક ડોઝ લઈને આવી રહી છે આગામી ગુજરાતી ફિલ્મ 'ડમરુ' (Damru). મેકર્સ દ્વારા ફિલ્મનું ધમાકેદાર 'ઓફિશિયલ ટ્રેલર' સોશિયલ મીડિયા પર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ રિલીઝ થયેલી અનોખી ટોકરી વાળી ઝલક બાદ, હવે ફિલ્મનું આખું ટ્રેલર પ્રેક્ષકોને હાસ્યની નવી દુનિયામાં લઈ જાય છે. એક રિસોર્ટના બેકડ્રોપ પર આધારિત આ કન્ફ્યુઝન કોમેડીમાં કોણ કોને ફસાવે છે અને કોણ કોને શોધે છે તેની મજેદાર રમત જોવા મળી રહી છે.
સસ્પેન્સ અને હાસ્યનો 'ડબલ' તડકો જોવા મળશે
'ડમરુ'ના ટ્રેલરમાં રિસોર્ટના રહસ્યમય અને રમૂજી વાતાવરણની આસપાસ આખી વાર્તા વણાયેલી જોવા મળે છે. "હવે હાસ્યનો નાદ થશે ડબલ!" ના નારા સાથે મેકર્સે ટ્રેલરમાં એકથી એક ચડિયાતા કોમિક ટાઇમિંગવાળા સીન રજૂ કર્યા છે. રિસોર્ટમાં આખરે કોનું રાજ ચાલે છે અને પરિસ્થિતિઓ કેવી રીતે વિચિત્ર રીતે વળાંક લે છે, તે પ્રશ્નો સાથે દર્શકોમાં ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા બેવડાઈ ગઈ છે.
દિગ્દર્શન અને નિર્માણ ક્ષેત્રે મજબૂત ટીમ
આ મનોરંજક ફિલ્મનું દિગ્દર્શન હાર્દિક પરીખ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મને 'ગુજોત્સવ' અને 'વ્રજ ફિલ્મ્સ' દ્વારા રજૂ કરવામાં આવી રહી છે, જ્યારે રમેશ સોની, કૃપા સોની અને સંજય સોની ફિલ્મના પ્રોડ્યુસર તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે.
અભિનેતાઓની તગડી સ્ટારકાસ્ટ
'ડમરુ' ફિલ્મમાં ગુજરાતી સિનેમા અને થિયેટરના દિગ્ગજ કલાકારો સાથે મનોરંજક કાસ્ટ ભેગી થઈ છે. ફિલ્મમાં ગુજરાતી નાટક અને સિનેમાના દિગ્ગજ સંજય ગોરડિયા, હેમાંગ દવે, મૌલિક ચૌહાણ અને સંજય ગલસર જેવા શ્રેષ્ઠ કોમેડી કલાકારો જોવા મળશે. આ સિવાય ઇનાક્ષ રાજ, નિરવ વૈદ્ય, નિરાલી ઓઝા, સૌરભ રાજ્યગુરુ અને ભાર્ગવ જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં હાસ્યનો ધમાકો કરતા નજરે પડશે.
દિવાળીના ઉત્સવના વાતાવરણ વચ્ચે આ મનોરંજક ગુજરાતી ફિલ્મ 23 ઓક્ટોબર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
