Damru Release Date : ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે આગામી 23 ઓક્ટોબર 2026 ના રોજ એક ઉત્કૃષ્ટ પારિવારિક મનોરંજક ફિલ્મ “ડમરુ” મોટા પડદે રજૂ થવા જઈ રહી છે. હાસ્ય, રોમાંચક સસ્પેન્સ, ભાવનાત્મક ઊંડાણ અને અર્થપૂર્ણ સામાજિક સંદેશનું સુંદર મિશ્રણ ધરાવતી આ ફિલ્મ નાનાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ વયજૂથના દર્શકોને મનોરંજક રોલર-કોસ્ટર રાઇડનો અનુભવ કરાવશે.
બહેતરીન નિર્માણ અને દિગ્દર્શન
ગુજોત્સવ પ્રોડક્શન અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મના નિર્માતા રમેશ પ્રજાપતિ, કૃપા સોની અને સંજય સોની છે. ફિલ્મનું દિગ્દર્શન હાર્દિક જે. પરીખ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તેની વાર્તા ઋષિકેશ ઠક્કર અને નીરવ જોશી દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મમાં સંજય ગોરડિયા, હેમાંગ દવે, મૌલિક ચૌહાણ, નક્ષરાજ, નીરવ મુકેશ વૈદ્ય, નિરાલી ઓઝા, સૌરભ રાજયગુરુ, સંજય ગલસર, ભાર્ગવ પરમાર, મકરંદ શુક્લા, અન્નપૂર્ણા શુક્લા અને સતીશ ભટ્ટ જેવા અનુભવી અને પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
સંગીત અને પ્રમોશનલ સોંગનો ધમાકો
ફિલ્મને વધુ ભવ્ય બનાવવા માટે પાર્થ ભરત ઠક્કરના સંગીત નિર્દેશનમાં એક ધમાકેદાર પ્રમોશનલ સોંગ તૈયાર કરાયું છે, જેને લોકપ્રિય ગાયક ભૂમિ ત્રિવેદી અને જયસિંહ ગઢવીએ ગાયું છે. પ્રિન્સ ગુપ્તાના દિગ્દર્શન અને કોરિયોગ્રાફી હેઠળ બનેલા આ ગીતમાં સૂરજ કુરાડેની સિનેમેટોગ્રાફી છે. ફિલ્મની મુખ્ય સિનેમેટોગ્રાફી ધ્રુવ પંચાલ દ્વારા કરવામાં આવી છે, જ્યારે બેકગ્રાઉન્ડ સ્કોર દર્શન શાહ (ટ્રીહાઉસ સ્ટુડિયો) એ તૈયાર કર્યો છે.
ગુરુવારે અમદાવાદમાં આયોજિત ખાસ સોંગ લોન્ચ ઇવેન્ટ પહેલાં ફિલ્મની ટીમે સ્થાનિક મંદિરમાં દર્શન કરી વિજયી આશીર્વાદ મેળવ્યા હતા. ફિલ્મ 'ડમરુ' ૨૩ ઓક્ટોબરે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈને દર્શકોને યાદગાર સિનેમેટિક અનુભવ આપવા આતુર છે.
