Chetan Daiya Interview: રિજનલ મનોરંજનને નવું સ્વરૂપ આપવા માટે પ્રતિબદ્ધ JOJO એપ, ગુજરાતની સફળ ફિલ્મ 'મેડલ'ને હવે એક નવી ઓળખ આપી રહ્યું છે. 25 નવેમ્બર, 2022ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી અને હવે તે ગુજરાતની પહેલી લૉંગ-ફૉર્મેટ વેબ સિરીઝ તરીકે ફક્ત JOJO એપ પર જ સ્ટ્રીમ થશે. આ અંગે ગુજરાતી જાગરણ સાથેની ખાસ વાતચીતમાં એક્ટર ચેતન દૈયાએ પોતાના અનુભવો અને વિચારો રજૂ કર્યા.
વેબ સિરીઝ ફોર્મેટમાં 'જીવતી વાર્તા' ફરી રજૂ થશે: ચેતન દૈયા
ચેતન દૈયાએ 'મેડલ'ના વેબ સિરીઝ તરીકેના રૂપાંતરણ પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, "એક કલાકાર તરીકે આ ખૂબ જ આનંદની વાત છે, કારણ કે જ્યારે કોઈ વેબ સિરીઝને ફિલ્મમાં રૂપાંતરિત કરવામાં આવે છે, ત્યારે ઘણું કન્ટેન્ટ કાપી નાખવામાં આવે છે. પરંતુ 'મેડલ' ફરીથી તેના મૂળ સ્વરૂપમાં એટલે કે વેબ સિરીઝ ફોર્મેટમાં રજૂ થવાથી તેની 'જીવતી વાર્તા' સંપૂર્ણપણે દર્શકો સુધી પહોંચશે.
આનાથી કલાકારોને પણ ઘણો સંતોષ થાય છે." તેમણે વધુમાં જણાવ્યું કે આ ફિલ્મમાં તેમણે ગામના સરપંચનું નકારાત્મક પાત્ર ભજવ્યું હતું, જેનો અનુભવ ખૂબ મજેદાર હતો. તેમના માટે વધુ એક ખુશીની વાત એ હતી કે તેમના દીકરાએ પણ આમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે, જે ભવિષ્યમાં તેમના માટે એક યાદગાર સંભારણું બની રહેશે.
પાઇરસી દરેક મોટો પડકાર
ચેતન દૈયાએ પ્રાદેશિક સિનેમા સામેના પડકારો પર પણ વાત કરી. તેમણે જણાવ્યું કે ફિલ્મોની ડિજિટલ પાઇરસી એ એક મોટી સમસ્યા છે. ઘણીવાર ફિલ્મો રિલીઝ થાય તે પહેલાં જ લીક થઈ જાય છે, જેનાથી કલાકારો અને મેકર્સની મહેનત પાણીમાં જાય છે. ચેતન દૈયાએ લોકોને વિનંતી કરી કે, "આપણી મહેનત સિનેમાના પડદા પર જોવાને બદલે લોકો તેને મોબાઈલ પર જોઈ લે છે, જેનાથી કલાકારોની રોજગારી પર પણ અસર પડે છે. હું સૌને વિનંતી કરું છું કે ફિલ્મોને થિયેટરમાં જુઓ અને જો શક્ય ન હોય તો ઓટીટી પ્લેટફોર્મ પર જ જુઓ, પરંતુ પાઇરસી ન કરો, કારણ કે તે એક પ્રકારની ચોરી છે." તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ્સની સંખ્યા વધવી જોઈએ જેથી વધુ સારું કન્ટેન્ટ લોકો સુધી પહોંચી શકે અને ઉદ્યોગમાં સ્પર્ધા વધે, જેનો લાભ કલાકારો, મેકર્સ અને પ્લેટફોર્મ્સને પણ થાય.