Reeva Rachh Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી ફિલ્મ લાલો, 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' હજુ બોક્સ ઓફિસ પર ચાલી રહી છે. તેના કલાકારો પણ હજુ ચર્ચામાં છે. લાલો ફિલ્મમાં તુલસીનું પાત્ર કરના રીવા રચ્છ અનેક ઈન્ટરવ્યુ આપી ચૂકી છે. પરંતુ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં રિવાએ ચોકાવનારી વાત કરી હતી.
રીવા રચ્છે એક ઈન્ટરવ્યુમાં પોતાના બાળપણના એક એવા અનુભવની વાત કરી હતી, જેના કારણે તેઓ લાંબો સમય મંદિરમાં જવાનું બંધ કરી દીધું હતું. એ અનુભવ તેમના મગજ પર એટલો ઊંડો ઉતરી ગયો કે તેમને લાગ્યું કે ભગવાનના નામે જો આવું ચાલતું હોય તો મંદિરમાં જવાની કોઈ જરૂર નથી.
આ પણ વાંચો
એક બાળપણનો કડવો અનુભવ
જ્યારે રીવા રચ્છ લગભગ છઠ્ઠા ધોરણમાં હતી, ત્યારે તેઓ પરિવાર સાથે કોલકાતા ગઈ હતી. ત્યાં દુર્ગામાતાના એક મોટા મંદિરે તેનો પરિવાર દર્શને ગયો હતો. એ દિવસે મંદિરે અસહ્ય ભીડ હતી. બહાર તો ખુલ્લેઆમ લાઇન તોડાવવાનો ધંધો ચાલતો હતો. થોડા પૈસા આપો ને સીધા અંદર! ભીડ પણ એવી હતી કે કોઈ સમજદારી કે શિસ્ત નહીં, દરેક જણ ધક્કા મારીને, ગમે તેમ વર્તીને આગળ વધી રહ્યું હતું.
આ બધું જોઈને નાની ઉંમરના રીવા રચ્છના માનસ પર ઊંડી છાપ પડી. તેને લાગ્યું કે જો ભગવાનના ઘરમાં આવી બધી અવ્યવસ્થા હોય, પૈસા આપીને લાઇન તોડાવી શકાય, લોકો આટલા અસંવેદનશીલ હોય, તો પછી અહીં આવવાનું કોઈ મહત્ત્વ નથી. તેમણે મનમાં ઠાની લીધું કે જો ભગવાનના નામે આવું ચાલતું હોય, તો મારે મંદિરમાં જવું જ નથી. ભગવાન તો મારી અંદર જ છે, તે અહીં જ કેમ હોવા જોઈએ?
આ નિર્ણય તે ત્રણેક વર્ષ સુધી અડગ રીતે નિભાવતી રહી. નવમા ધોરણમાં પણ જ્યારે દ્વારકાધીશ મંદિરની બહાર ડાન્સ રિહર્સલ કરતી હતી અને મિત્રોએ મંદિરમાં જવાનું કહ્યું, ત્યારે પણ તે જૂની યાદ તાજી થઈ ગઈ અને તેમણે સાફ ના પાડી દીધી કે ના, મારે નથી આવવું.
ધીમે ધીમે પરિવર્તન
પછી ધીમે ધીમે તેમની નાની અને મમ્મીના સતત પ્રેમ અને સમજાવટથી તે ફરીથી આધ્યાત્મિકતા તરફ વળી. એક જ નકારાત્મક અનુભવથી દૂર થયેલા રીવા રચ્છ આજે ભક્તિ અને સ્પિરિચ્યુઆલિટીને ખૂબ જ માન આપે છે, પરંતુ તેમના મનમાં એ બાળપણની યાદ આજે પણ જીવંત છે . એક એવી યાદ જે તેમને શીખવી ગઈ કે ભગવાન સાચે જ દરેકના હૃદયમાં વસે છે.
