Gujarati Film Laalo: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચનારી ફિલ્મ 'લાલો'ની સફળતાની ચર્ચા ચોતરફ છે. ત્યારે આ ફિલ્મના સર્જન પાછળની મહેનત અને લેખન પ્રક્રિયા અંગે સ્ક્રીનપ્લે રાઈટર વિકી જોશીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં ચોંકાવનારા અને રસપ્રદ ખુલાસા કર્યા છે. લેખકના ટેબલથી લઈને મોટા પડદા સુધીની આ સફર કેવી રહી, તે જાણવા જેવું છે.
ત્રણ મિત્રોની જુગલબંધી અને ડિજિટલ લેખન
ફિલ્મની સફળ સ્ક્રિપ્ટ પાછળ કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ ત્રણ મિત્રો - વિકી જોશી, અંકિત ગોર અને કૃષાંશ વાજાની મહેનત છે. વિકી જોશીએ જણાવ્યું કે પરંપરાગત પેન-પેપરના બદલે તેમણે ટેકનોલોજીનો ઉપયોગ કરી મોબાઈલમાં જ સ્ક્રિપ્ટ લખવાનું વધુ પસંદ કર્યું હતું. લેખન દરમિયાન અંકિત અને વિકી હાઈપર એક્ટિવ રહેતા, જ્યારે કૃષાંશ વાજા અત્યંત ધીરજથી કામ લેતા હતા. નવાઈની વાત એ છે કે ફિલ્મમાં જે દ્રશ્યો પર પ્રેક્ષકો સૌથી વધુ ખડખડાટ હસ્યા છે, તે વાજાભાઈ દ્વારા લખવામાં આવ્યા હતા.
આઈકોનિક સીન્સ પાછળનું રહસ્ય અને પ્રેરણા
કૃષ્ણનું આગમન
ફિલ્મમાં કોઈને કોઈ સ્વરૂપે ઈશ્વર મદદ કરવા આવશે, તે વિચાર કેન્દ્રમાં હતો. ઇન્ટરવલ બ્લોક પર શ્રી કૃષ્ણની એન્ટ્રી થશે તે 'Day 1' થી જ નક્કી હતું.
બાળ માનસપટલ
માતા-પિતાના ઝઘડાની બાળકી પર થતી અસર દર્શાવવા માટે દીકરી ચિત્ર પર કાળો કલર ફેરવી દે છે, તે સીન માટે આંતરરાષ્ટ્રીય ફિલ્મ 'Anatomy of a Fall' માંથી પ્રેરણા લેવામાં આવી હતી.
સંતરાવાળો સીન
મિત્રતામાં રહેલી ખટાશ અને મીઠાસ તેમજ પાત્રો વચ્ચેનો પ્રેમ દર્શાવવા માટે સંતરાનો પ્રતીકાત્મક ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શૂટિંગ લોકેશન પર જ બદલાયેલી સ્ક્રિપ્ટ
ઘણીવાર શ્રેષ્ઠ સર્જન અચાનક થતું હોય છે. ફિલ્મનો એક લોકપ્રિય સંવાદ જેમાં તુલસી લાલાને કહે છે કે, 'ઘરમાં 200 રૂપિયા પડ્યા છે', તે મૂળ સ્ક્રિપ્ટમાં હતો જ નહીં. લોકેશન પર પહોંચ્યા બાદ વિકી જોશીને લાગ્યું કે પાત્રો વચ્ચેનો પ્રેમ અને કેરિંગ નેચર દર્શાવવું જરૂરી છે. તેમણે ફોન પર જ અંકિત ગોર સાથે ચર્ચા કરી અને તાત્કાલિક આ સીન ઉમેર્યો હતો.
જૂનાગઢ અને ગીરની પસંદગી કેમ?
ફિલ્મનું બેકગ્રાઉન્ડ જૂનાગઢ અને ગીર રાખવા પાછળ પણ ચોક્કસ કારણ હતું. ભાલકા તીર્થ, સોમનાથ અને ગીતા મંદિર જેવી પવિત્ર જગ્યાઓ સાથે શ્રી કૃષ્ણની અંતિમ યાત્રા જોડાયેલી હોવાથી, વાર્તાની આધ્યાત્મિકતા જાળવી રાખવા આ લોકેશન્સ પસંદ કરવામાં આવ્યા હતા.
વિકી જોશીના મતે, જેમ રસોઈમાં મીઠું વિના સ્વાદ નથી આવતો, તેમ લેખનમાં 'પ્રામાણિકતા' વિના દર્શકોના હૃદય સુધી પહોંચી શકાતું નથી. મરીઝ સાહેબની ગઝલોના વાંચન અને જૂના નાટકોએ લેખકોને આ શાર્પનેસ કેળવવામાં મદદ કરી હતી.
