Rough and Tough Kanya: ગુજરાતી ફિલ્મોમાં સાસુ-વહુની નોકઝોક તો અનેકવાર જોવા મળી છે, પરંતુ હવે પડદા પર સસરા અને જમાઈ વચ્ચેની ટક્કર હાસ્યનો નવો રંગ લઈને આવી રહી છે. દીકરીના પ્રેમલગ્નથી નારાજ પિતા તેને રોકવા માટે એવો રસ્તો અપનાવે છે કે તે ભાવિ જમાઈના ઘરે જ 30 દિવસ રહેવા પહોંચી જાય છે. ત્યાર બાદ બે પરિવારો વચ્ચે સર્જાતી રમૂજી પરિસ્થિતિઓ, ગેરસમજો અને અવનવી ઘટનાઓને કેન્દ્રમાં રાખીને બનેલી ગુજરાતી ફેમિલી કોમેડી ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’ 20 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. યશ વૈષ્ણવના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં હિતેન કુમાર, રવિ ગોહિલ અને યુક્તિ રાંદેરિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મની વાર્તા
ફિલ્મની વાર્તા એક એવા પિતાની આસપાસ ફરે છે, જે પોતાની દીકરીના પ્રેમલગ્નની વાત સ્વીકારવા તૈયાર નથી. દીકરીને તેના મનપસંદ યુવક સાથે લગ્ન કરતાં રોકવા માટે તે અનેક પ્રયાસો કરે છે. આખરે તે દીકરીના ભાવિ સાસરિયાંના ઘરે 30 દિવસ રહેવાનો નિર્ણય લે છે. આ દરમિયાન પિતા અને ભાવિ જમાઈ વચ્ચેની ખેંચતાણ સાથે બંને પરિવારોનાં અલગ-અલગ સ્વભાવ અને વિચારોને કારણે અનેક રમૂજી પરિસ્થિતિઓ સર્જાય છે. ફિલ્મમાં પિતા-દીકરીના સંબંધો, પેઢી વચ્ચેના વિચારોનો તફાવત અને પ્રેમ માટે કરવામાં આવતાં પ્રયાસોને હળવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યા છે.
સમસ્યાઓને હસતાં-રમતાં પણ ઉકેલી શકાય
ફિલ્મમાં દીકરીના પિતા શિવ પંડિતનું પાત્ર ભજવતા હિતેન કુમારે જણાવ્યું કે, રફ એન્ડ ટફ કન્યા મારા માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે. લગભગ 30 વર્ષથી હું કોમેડી કરવા માગતો હતો, પરંતુ મારે સ્થૂળ કે માત્ર જોક્સ આધારિત કોમેડી ન હોતી કરવી. મને એવી કોમેડી કરવી હતી, જેમાં પરિસ્થિતિમાંથી હાસ્ય જન્મે અને દરેક ઘટનાનું એક કારણ હોય. આ ફિલ્મમાં એક પિતા પોતાની દીકરીને લઈને ખૂબ જ પઝેસિવ છે, પરંતુ તેની પાછળ દીકરી પ્રત્યેનો પ્રેમ અને ચિંતા છે. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં પરિવારમાં ગુસ્સો અને તણાવ જોવા મળે છે, પરંતુ આ ફિલ્મ બતાવે છે કે આવી સમસ્યાઓને હસતાં-રમતાં પણ ઉકેલી શકાય છે.
ફિલ્મમાં રાજવીરનું પાત્ર ભજવતા રવિ ગોહિલે જણાવ્યું કે ફિલ્મમાં મારું પાત્ર રાજવીર થોડું ગુસ્સાવાળું અને એનર્જેટિક છે. તે છવીને ખૂબ પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માટે અનેક પડકારોનો સામનો કરે છે. આ સફરમાં તેને પોતાના ભાવિ સસરા સાથે 30 દિવસ રહેવું પડે છે, જ્યાંથી અનેક રમૂજી પરિસ્થિતિઓ ઊભી થાય છે.
