rough and tough kanya gujarati film trailer: ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’નું ટ્રેલર રિલીઝ થતાં જ દર્શકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારોએ પણ ટ્રેલરનાં વખાણ કર્યા છે. પ્રતિક ગાંધી, હંસલ મહેતા અને જાનકી બોડીવાલા સહિત અનેક કલાકારોએ ફિલ્મને શુભેચ્છા પાઠવી છે.
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજોએ કર્યા વખાણ
પ્રતિક ગાંધી, હંસલ મહેતા, જાનકી બોડીવાલા, યશ સોની, હેલી શાહ, ધર્મેશ, આરોહી પટેલ, કુશલ મિસ્ત્રી અને દિવ્યાંગ ઠક્કર જેવા જાણીતા કલાકારો અને દિગ્દર્શકોએ ‘રફ એન્ડ ટફ કન્યા’ના ટ્રેલરની પ્રશંસા કરી છે. તેમના પ્રતિસાદથી ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી છે.

બે પરિવારોની મજેદાર ટક્કર
યશ વૈષ્ણવના નિર્દેશનમાં બનેલી આ ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ બિરલા સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે, જ્યારે તેનું નિર્માણ બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા બે મસ્તીખોર ગુજરાતી પરિવારો વચ્ચે થતી રમૂજી ટક્કર પર આધારિત છે.
ફિલ્મમાં શિવ પંડિત (હિતેન કુમાર) એક એવા પિતા છે, જેમને પોતાની લાડકી દીકરી છવિ ઘર છોડીને જાય એ વિચાર પણ પસંદ નથી. જોકે, જ્યારે છવિ પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કરવાનો નિર્ણય લે છે, ત્યારે પિતાની મુશ્કેલીઓ વધી જાય છે. દીકરીના લગ્ન રોકવા માટે તેઓ અલગ-અલગ નુસખા અજમાવે છે. આ દરમિયાન બંને પરિવારો વચ્ચે એવી રમૂજી પરિસ્થિતિઓ સર્જાય છે, જે દર્શકોને હસાવશે.
ક્યારે થશે રિલીઝ?
‘રફ એન્ડ ટફ કન્યા’ 20 નવેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં હિતેન કુમાર, રવિ ગોહિલ, યુક્તિ રાંડેરિયા અને નીલમ પંચાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફેમિલી કોમેડી અને મનોરંજનથી ભરપૂર આ ફિલ્મને લઈને હવે દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
