TMKOC: તારક મહેતાના મેકર્સની ફેન્સને મકર સંક્રાંતિની ગિફ્ટ, ગુજરાતી, મરાઠી, તેલુગુ સહિત 8 ભાષાઓમાં 3D એનિમેટેડ એપિસોડ રિલીઝ

'ધી ગ્રેટ ઈન્ડિયન ગોકુલધામ કાઈટ ફેસ્ટિવલ' તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 3D એનિમેટેડ સિરીઝની યુટ્યૂબ ચેનલ પર જોઈ શકશો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 13 Jan 2026 06:39 PM (IST)Updated: Tue, 13 Jan 2026 06:39 PM (IST)
entertainment-news-tmkoc-the-great-gokuldham-kite-festival-3d-animated-series-release
HIGHLIGHTS
  • ટપ્પુ સેના ઉપરાંત જેઠાલાલ, સોઢી, ડો. હાથી અને પોપટલાલ સહિતના પાત્રો પતંગના પેચ લડાવતા દેખાશે

The Great Gokuldham Kite Festival: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC)ના મેકર્સે મકર સંક્રાંતિના અવસરે એક સ્પેશિયલ 3D એનિમેટેડ એપિસોડ લોન્ચ કર્યો છે.

'ધી ગ્રેટ ઈન્ડિયન ગોકુલધામ કાઈટ ફેસ્ટિવલ' નામનો એપિસોડ ગઈકાલે 12 જાન્યુઆરીએ સાંજે 6:30 કલાકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 3D એનિમેટેડ સિરીઝની યુટ્યૂબ ચેનલ પર રિલીઝ કરી દેવામાં આવ્યો છે.

ખાસ વાત એ છે કે, આ એપિસોડ ગુજરાતી અને હિન્દી ઉપરાંત મરાઠી, તમિલ, મલયાલમ, બંગાલી, તેલુગુ અને કન્નડ સહિત દેશની 8 અલગ-અલગ ભાષામાં ઉપલબ્થ છે. જેના કારણે તે અલગ-અલગ ભાષાના જાણકાર દર્શકો સુધી સરળતાથી પહોંચી શકે.

આ એપિસોડમાં ગોકુલધામ સોસાયટીના લોકોને ઉત્તરાયણના તહેવારનો આનંદ માણતા દર્શાવવામાં આવ્યા છે. જેમાં ટપ્પુ સેના ઉપરાંત જેઠાલાલ, સોઢી, ડો. હાથી અને પોપટલાલ સહિતના પાત્રો પતંગના પેચ લડાવતા જોવા મળી રહ્યા છે. આ એપિસોડમાં એકતા, લાગણી અને પરંપરાને હ્યુમર સાથે રજૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગોકુલધામ સોસાયટીમાં મકર સંક્રાંતિ પતંગોત્સવની ઉજવણી ઘણી વાર દેખાડવામાં આવી ચૂકી છે, જેને દર્શકોનો ભરપુર પ્રેમ પણ મળ્યો છે. જો કે આ 3D એનિમેટેડ એપિસોડમાં પતંગોત્સવને એક નવા અંદાજમાં દર્શાવામાં આવ્યો છે.

આ એપિસોડની વાત કરીએ તો, તેમાં એક વિચિત્ર પતંગના કારણે ગોકુલધામ સોસાયટીમાં ધમાચકડી મચી જાય છે. આખરે ગોકુલધામ સોસાયટીના લોકો આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર આવે છે, તે દર્શાવવામાં આવ્યું છે. નવા એપિસોડમાં તહેવારની ખુશીની સાથે-સાથે મજેદાર ટ્વિસ્ટ પણ જોવા મળે છે, જેથી લોકો મનોરંજનની સાથે-સાથે તહેવારની મજા માણી શકે.