Entertainment News, Sachin Sanghvi Arrest:મનોરંજન જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં જાણીતી સંગીતકાર જોડી સચિન-જીગર પૈકીના (Bollywood Music Director Sachin-Jigar) સચિન સંઘવીની (Sachin Sanghvi) યૌન શોષણના આરોપ હેઠળ પોલીસે ધરપકડ કરી છે.
આ અંગે પોલીસે જણાવ્યું કે, 'સ્ત્રી 2' અને 'ભેડિયા' સહિત અનેક બૉલિવૂડ ફિલ્મોમાં સંગીત આપનાર સચિન સંઘવી પર કામના બહાને ગાયિકા યુવતીનું જાતિય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે.
યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તે 2024માં જ સોશિયલ મીડિયા મારફતે સચિન સંઘવીના સંપર્કમાં આવી હતી. જે બાદ બન્ને વચ્ચે સતત વાતચીત થતી હતી. ફેબ્રુઆરી 2024થી જુલાઈ 2025 સુધીમાં સચિન સંઘવીએ યુવતીને કરિયર આગળ વધારવામાં મદદ કરવા અને લગ્ન કરવાનું વચન આપ્યું હતુ.
સચિન સંઘવીએ વાતચીત દરમિયાન યુવતીને મ્યુઝિક આલ્બમ બનાવવાનું વચન આપીને પોતાની સ્ટુડિયોમાં બોલાવી હતી. જ્યાં તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે બાદ અવારનવાર તેનું જાતિય શોષણ કર્યું હતુ.
વધુમાં યુવતીએ જણાવ્યું કે, લગ્નનું કહેતા સચિન સંઘવી સતત દૂર ભાગવા લાગ્યો અને બન્ને વચ્ચેના સબંધો છૂપાવવા માટે ધમકીઓ આપતો હતો. જ્યારે ગાયિકા યુવતીએ પોતાના મેડિકલ માટે તબીબની સલાહ લીધી, ત્યારે પણ સચિને તેની સાથે ગેરવર્તણૂંક કરી હતી.
છેલ્લા દોઢ વર્ષ દરમિયાન તે અને સચિન સંઘવી મુંબઈ સહિત અન્ય શહેરોમાં મળ્યા હતા. માનસિક તણાવ અને પારિવારિક દબાણને કારણે આખરે તેણે ઓગસ્ટ 2025માં પોલીસની મદદ માંગી હતી
બીજી તરફ સચિન સંઘવીના વકીલે જણાવ્યું કે, મારા ક્લાયન્ટ વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા અને તદ્દન ખોટાછે. પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે સચિન સંઘવીની ધરપકડકરવામાં આવી હતી. આથી સચિનને તાત્કાલિક જામીન મળી ગયા. હવે અમે તમામ આરોપોનો કાયદાકીય રીતે જવાબ આપીશું.
હાલ તો પોલીસે યુવતીની ફરિયાદના આધારે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ફરિયાદી યુવતી અને આરોપી બન્નેના નિવેદન લેવાઈ ચૂક્યા છે. જ્યારે અન્ય પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે.
જણાવી દઈએ કે, સચિન-જીગરની જોડીએ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'થામા'માં મ્યુઝિક આપ્યું છે. આ સિવાય આ સંગીતકાર જોડીએ પરમ સુંદરી, માલિક, નાદાનિયાં, વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો, સ્ત્રી 2, મર્ડર મુબારક, તેરી બાતો મેં એસા ઉલ્ઝા જિયા, ફર્રે, જરા હટકે-જરા બચકે, ભેડિયા, દસવી, ચંદીગઢ કરે આશિકી, શિદ્દત, ભૂત પુલિસ, સ્ટ્રીટ ડાન્સર 3D, બાલા, સ્ત્રી, ગોલ્ડ, ભૂમિ, હસીના પાર્કર, રાબ્જા, હિન્દી મીડિયમ, એ ફ્લાઈંગ જાટ, હીરો, એબીસીડી 2 જેવી ફિલ્મોમાં મ્યુઝીક આપ્યું છે.
