Dadasaheb Phalke Award: મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા મોહનલાલને પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આગામી 23 સપ્ટેમ્બર, 2025ના રોજ 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં તેમને આ એવોર્ડ આપવામાં આવશે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોશિયલ મીડિયા X પર પોસ્ટ મૂકીને આ બાબતની પુષ્ટિ કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, મોહનલાલની ફિલ્મી સફળ પેઢીઓને પ્રેરણા પૂરી પાડે છે. આ મહાન અભિનેતા, ડિરેક્ટર અને પ્રોડ્યુસરને ભારતીય સિનેમામાં તેમના વિશેષ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
5 નેશનલ ફિલ્મ એવોર્ડ, 8 સ્ટેટ એવોર્ડ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી ચૂકેલા મલયાલી અભિનેતા મોહનલાલ અત્યાર સુધીમાં 400થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. હવે ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.
PM મોદીએ પોતાની સાથેની તસવીર શેર કરી અભિનેતાને શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોહનલાલ સાથે પોતાની એક તસવીર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે. આ સાથે જ લખ્યું છે કે, મોહનલાલ કેરળની સંસ્કૃતિ પ્રત્યે ઊંડી આસ્થા ધરાવે છે. મોહનલાલે માત્ર મલયાલમ જ નહીં, પરંતુ તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ ઉમદા અભિનય કર્યો છે. દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થવા બદલ શુભેચ્છા. તેમની સિદ્ધિઓ આવનારી પેઢીઓને પ્રેરિત કરતી રહે.
Shri Mohanlal Ji epitomises excellence and versatility. With a rich body of work spanning decades, he stands as a leading light of Malayalam cinema, theatre and is deeply passionate about the culture of Kerala. He has also delivered remarkable performances in Telugu, Tamil,… https://t.co/4MWI1oFJsJ pic.twitter.com/P0DkKg1FWL
— Narendra Modi (@narendramodi) September 20, 2025
જણાવી દઈએ કે, મોહનલાલ છેલ્લા 45 વર્ષથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યા છે. મોહનલાલે 1980માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ મલયાલી અભિનેતાએ પોતાની 45 વર્ષની કારકિર્દીમાં લગભગ 400 ફિલ્મો કરી છે, જેમાંથી મોટાભાગની ફિલ્મો હિટ જ રહી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મોહનલાલના યોગદાન બદલ તેમને 2001માં પદ્મ શ્રી અને 2019માં પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ગત વર્ષે બૉલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીને 2022 માટે દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
