Dadasaheb Phalke Award: સાઉથ સુપરસ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

મોહનલાલને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. 23 સપ્ટેમ્બર, 2025ના રોજ 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sun, 21 Sep 2025 09:09 AM (IST)Updated: Sun, 21 Sep 2025 09:09 AM (IST)
actor-mohanlal-to-be-conferred-with-the-prestigious-dadasaheb-phalke-award-2023

Dadasaheb Phalke Award: મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ વર્ષ 2023ના પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. 23 સપ્ટેમ્બર, 2025ના રોજ 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી છે.

મંત્રાલયે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મોહનલાલની સિનેમેટિક સફર પેઢીઓને પ્રેરણા આપે છે. આ મહાન અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતાને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉથ સુપરસ્ટારને અભિનંદન પાઠવતા લખ્યું કે મોહનલાલ બહુમુખી પ્રતિભાનું પ્રતિક છે. દાયકાઓથી તેઓ મલયાલમ સિનેમા અને રંગમંચના આધારસ્તંભ રહ્યા છે અને કેરળની સંસ્કૃતિ પ્રત્યે તેમને ઊંડો લગાવ છે. તેમણે મોહનલાલના તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં કરેલા ઉત્કૃષ્ટ કામની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને ઉમેર્યું કે મોહનલાલની સફર પ્રેરણાદાયી રહી છે અને તેમની સિદ્ધિઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.

400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું

1960માં જન્મેલા મોહનલાલ એક ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે, જે મુખ્યત્વે મલયાલમ સિનેમામાં કામ કરે છે. આ ઉપરાંત તેમણે તમિલ, હિન્દી, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મોહનલાલની ચાર દાયકાથી વધુની શાનદાર કારકિર્દી છે, જે દરમિયાન તેમણે 400થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. સિનેમામાં તેમના યોગદાન બદલ તેમને 2001માં પદ્મશ્રી અને 2019માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

5 રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા

મોહનલાલે 18 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 1978માં મલયાલમ ફિલ્મ 'થિરનોત્તમ'થી ડેબ્યૂ કર્યું હતું, જોકે આ ફિલ્મ 25 વર્ષ સુધી રિલીઝ થઈ ન હતી. તેમનું સ્ક્રીન ડેબ્યૂ 'મંજિલ વિરિન્જા પુક્કલ' ફિલ્મથી થયું હતું, જેમાં તેમની નકારાત્મક ભૂમિકા હતી. મોહનલાલે પોતાની કારકિર્દીમાં 5 રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે. મોહનલાલની શ્રેષ્ઠ ફિલ્મોમાં 'કિરીદમ', 'દ્રશ્યમ', 'ભારતમ', 'મણિચિત્રથાઝુ' અને 'દેવાસુરમ' જેવી ક્લાસિક ફિલ્મોની સાથે 'સ્પેડિકમ', 'થાનમથરા', 'થૂવનથુમ્બિકલ' અને 'નેરમ' જેવી અન્ય ફિલ્મોનો સમાવેશ થાય છે.