The Kashmir Files: વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મની એનાઉન્સમેન્ટ પછીથી જ વિવાદ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં કાશ્મીરી હિંદુઓના પલાયન અને તેમની સાથે થયેલી દર્દનાક ઘટનાને દર્શાવવામાં આવી છે. આ ફિલ્મને લઇને લોકો વચ્ચે અલગ-અલગ અભિપ્રાય છે. થોડાક દિવસ પહેલા અભિનેતા પ્રકાશ રાજે આ ફિલ્મને બકવાસ ગણવી હતી ત્યારે હવે ફિલ્મના એક્ટર અનુપમ ખેરે તેમને જવાબ આપ્યો છે.
અનુપમ ખેરે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેને અભિનેતા પ્રકાશ રાજનું નામ લીધા વિના કહ્યું હતું કે, 'તે હંમેશા ઇમાનદારીમાં વિશ્વાસ કરે છે અને બીજા લોકો જે ગમે તેની પર વિશ્વાસ કરી શકે છે. લોકો પોતપોતાની ઔકાતની વાત કરે છે. કેટલાક લોકો જીવનભર જૂઠું બોલે છે. કેટલાક લોકો જીવનભર સાચું બોલે છે. હું એ લોકોમાંથી એક છું જે જીવનભર સાચું બોલીને જીવ્યા છે. જેને જૂઠું બોલીને જીવવું છે તેની પોતાની મરજી.'

પ્રકાશ રાજે કેરળ ફિલ્મ ફેસ્ટિવલ 2022 દરમિયાન 'ધ કશ્મીર ફાઇલ્સ' પર કોમેન્ટ કરી હતી. આ સાથે તેણે ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીના ખોટા દાવાની પણ મજાક ઉડાવી હતી કે ફિલ્મને ઓસ્કર માટે પસંદ કરવામાં આવી છે. પ્રકાશ રાજે કહ્યું હતું કે, 'ધ કાશ્મીર ફાઇલ્સ બકવાસ ફિલ્મોમાંથી એક છે. પરંતુ આપણે જાણીએ છીએ કે તે કોણે પ્રોડ્યૂસ કરી છે. બેશરમ. ઇન્ટરનેશનલ જ્યુરીએ પણ તેમના પર થૂંક્યું છે, પરંતુ તેઓ હજુ પણ બેશરમ છે. આ ફિલ્મના દિગ્દર્શક હજુ પણ કહી રહ્યા છે કે મને ઓસ્કાર કેમ નથી મળી રહ્યો? તેને ભાસ્કર પણ નહીં મળે.
1990માં થયેલા કાશ્મીરી હિન્દુઓના પલાયન પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. માત્ર 20 થી 25 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર 340 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.