Bhanushali Studios Hollywood Debut: ભારતીય ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પોતાની ઓળખ બનાવ્યા બાદ હવે ભાનુશાલી સ્ટુડિયોઝ આંતરરાષ્ટ્રીય સિનેમામાં પગલું ભરવા જઈ રહ્યું છે. વિનોદ ભાનુશાલીની આ કંપની હોલીવુડની ફિલ્મ 'CAPTIVATED' સાથે ગ્લોબલ ડેબ્યૂ કરવા તૈયાર છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં ઓસ્કાર વિજેતા અભિનેતા અલ પચીનો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે ઇસ્લા ફિશર અને બ્લેક રિટસન જેવા જાણીતા કલાકારો પણ ફિલ્મનો હિસ્સો છે.
CAPTIVATED ફિલ્મની વાર્તા શું છે?
'CAPTIVATED' એક ટ્રૂ-ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે, જેની કહાની વર્ષ 1973માં બનેલી એક ચર્ચિત અપહરણની ઘટના પરથી પ્રેરિત છે. આ ફિલ્મની વાર્તા અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ જે. પોલ ગેટ્ટીના પૌત્ર જોન પોલ ગેટ્ટી ત્રીજાના અપહરણની ઘટના પર આધારિત છે.
ફિલ્મમાં 1970ના દાયકાના ઇટાલીનો માહોલ જોવા મળશે. તે સમયે જોન પોલ ગેટ્ટી ત્રીજાના અપહરણની ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, ફિલ્મમાં આ જાણીતી ઘટનાને માત્ર ગુનાની દૃષ્ટિએ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા ભાવનાત્મક સંબંધો અને જટિલ પરિસ્થિતિઓના નવા દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવશે.
આ ફિલ્મનું નિર્દેશન ડિટો મોન્ટિયલ કરી રહ્યા છે. તેઓ અગાઉ 'A Guide to Recognizing Your Saints' અને 'Fighting' જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યા છે. ફિલ્મની સિનેમેટોગ્રાફીની જવાબદારી સ્ટીફન સિયુપેકે સંભાળી છે, જેઓ ઓસ્કાર વિજેતા ફિલ્મ 'Slumdog Millionaire' સાથે પણ જોડાયેલા રહી ચૂક્યા છે.
અલ પચીનો સાથે ઇસ્લા ફિશર અને બ્લેક રિટસન પણ જોવા મળશે
ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની સ્ટારકાસ્ટ છે. હોલીવુડના દિગ્ગજ અભિનેતા અલ પચીનો ઉપરાંત ઇસ્લા ફિશર અને બ્લેક રિટસન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. અલ પચીનો 'The Godfather' અને 'Scarface' જેવી યાદગાર ફિલ્મો માટે જાણીતા છે. જ્યારે ઇસ્લા ફિશર 'Now You See Me' અને બ્લેક રિટસન 'The Gilded Age' જેવી ફિલ્મો અને સિરીઝમાં પોતાના અભિનયથી ઓળખ બનાવી ચૂક્યા છે. આ પ્રોજેક્ટનું શૂટિંગ ઇટાલીના કેલાબ્રિયા અને રોમમાં ચાલી રહ્યું છે. જોકે, ફિલ્મની રિલીઝ ડેટ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ભારત અને હોલીવુડની કંપનીઓ મળીને બનાવી રહી છે ફિલ્મ
'CAPTIVATED'નું નિર્માણ ભાનુશાલી સ્ટુડિયોઝ લિમિટેડ અને લોસ એન્જલસ સ્થિત 32Red Entertainment સાથે મળીને કરી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં માઇકલ મેમોલિટી અને માનસવી મમગઈ નિર્માતા તરીકે જોડાયેલા છે.
આ ઉપરાંત સ્વીટહાર્ટ એન્ટરટેઇનમેન્ટના એન્ડ્રિયા બકો અને નિકી વાઇન્સ્ટોક તેમજ ફિલ્મ નિર્માતા કેસિયન એલ્વેસ પણ આ પ્રોજેક્ટનો હિસ્સો છે. 'Dallas Buyers Club' જેવી ફિલ્મના નિર્માણ સાથે જોડાયેલા કેસિયન એલ્વેસની હાજરી પણ આ પ્રોજેક્ટને ખાસ બનાવે છે.
વિનોદ ભાનુશાલીએ શું કહ્યું?
ભાનુશાલી સ્ટુડિયોઝના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર વિનોદ ભાનુશાલીએ આ પ્રોજેક્ટને કંપની માટે એક મહત્વપૂર્ણ શરૂઆત ગણાવી છે. તેમના જણાવ્યા અનુસાર, સારી વાર્તાઓ ભાષા અને દેશની સીમાઓથી આગળ વધીને દુનિયાભરના દર્શકો સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કરવું કંપની માટે એક નવું પગલું છે. 'CAPTIVATED' તેમના માટે ખાસ પ્રોજેક્ટ છે અને તેને વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવા તેઓ ઉત્સાહિત છે.
બીજી તરફ, ફિલ્મના નિર્માતા અને સહ-લેખક માઇકલ મેમોલિટીએ જણાવ્યું કે આ ઘટના સાથે તેમના પરિવારનો અંગત સંબંધ રહ્યો છે. બાળપણથી તેમણે આ ઘટના વિશે એવી વાતો સાંભળી છે, જે અત્યાર સુધી પડદા પર રજૂ થયેલી વાર્તાઓથી અલગ છે. તેથી તેઓ આ જાણીતી ઘટનાને નવા દૃષ્ટિકોણથી દર્શકો સમક્ષ રજૂ કરવા માંગે છે.
માનસવી મમગઈએ પણ ભારત અને હોલીવુડ વચ્ચેના આ સહયોગને ખાસ ગણાવ્યો છે. તેમના મતે, આ ભાગીદારી ભવિષ્યમાં બંને ફિલ્મ ઉદ્યોગો વચ્ચે વધુ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ બનાવવાનો માર્ગ ખોલી શકે છે. આ રીતે ભારતીય ફિલ્મ નિર્માણ કંપની ભાનુશાલી સ્ટુડિયોઝ હવે માત્ર ભારતીય સિનેમા પૂરતી મર્યાદિત રહેવાને બદલે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.
