Udta Teer Movie Release Date: આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાનની આગામી ફિલ્મ 'ઉડતા તીર'ની રિલીઝને લઈને દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મના પ્રમોશન માટે બંને કલાકારો અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો શેર કરવામાં આવી હતી.
અમદાવાદ પહોંચ્યા આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાન
આગામી હાઇ-સ્ટેક્સ કોમેડી એન્ટરટેઇનર ફિલ્મ 'ઉડતા તીર' (Udta Teer) 9 ઓક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રમોશન માટે આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાને અમદાવાદની મુલાકાત લીધી હતી. અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફિલ્મની સ્ટાર કાસ્ટે તેના અનોખા કોન્સેપ્ટ વિશે વાત કરી હતી.
'ઉડતા તીર'માં આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તામાં જાસૂસીની દુનિયાને કોમેડી અને મનોરંજનના તડકા સાથે રજૂ કરવામાં આવી છે. આયુષ્યમાનની ફેમિલી-એન્ટરટેનર ફિલ્મો માટે જાણીતી શૈલીને ધ્યાનમાં રાખીને આ ફિલ્મમાં પણ હાસ્ય અને મનોરંજનનો ભરપૂર ડોઝ જોવા મળશે.
શું છે 'ઉડતા તીર'ની સ્ટોરી?
ફિલ્મની વાર્તા પાકિસ્તાની એજન્ટ બિલાલ અહમદની આસપાસ ફરે છે, જેનું પાત્ર આયુષ્યમાન ખુરાના ભજવી રહ્યા છે. બિલાલ ભારતમાં ઘૂસણખોરી કરે છે, પરંતુ એક અકસ્માત બાદ તેની યાદશક્તિ જતી રહે છે. ત્યારબાદ તે ભૂલથી પોતાને ભારતીય જાસૂસ સમજવા લાગે છે.
બિલાલની આ ગેરસમજને કારણે અનેક રમૂજી અને અણધારી પરિસ્થિતિઓ સર્જાય છે. ફિલ્મમાં જાસૂસી, કોમેડી અને અરાજકતાના મિશ્રણને કારણે દર્શકોને એક અલગ પ્રકારનું મનોરંજન જોવા મળી શકે છે.
આ ફિલ્મથી આકાશ એ. કૌશિક ફીચર ફિલ્મ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. 'ઉડતા તીર'નું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ અને સિખ્યા એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ કરણ જોહર, અદાર પૂનાવાલા, અજય મેહતા, ગુનીત મોંગા કપૂર અને અચિન જૈન દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાનની નવી જોડી જોવા મળવાની હોવાથી પણ દર્શકોમાં ઉત્સુકતા છે. 'ઉડતા તીર' 9 ઓક્ટોબર, 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
