Ankit Sakhiya: લાલો ફિલ્મની Untold સ્ટોરી અંકિત સખિયાએ જણાવી, શું લાલો-2 ફિલ્મ આવશે કે નહીં તે અંગે પણ આ વાત કહી

ફિલ્મની સફળતાનું સૌથી મોટું કારણ લોકોના હૃદય સુધી પહોંચતા ડાયલોગ્સ અને શ્રી કૃષ્ણનું અત્યંત સરળ, હ્યુમન અને કાઠિયાવાડી અંદાજમાં દર્શન.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 11 Dec 2025 05:18 PM (IST)Updated: Thu, 11 Dec 2025 05:18 PM (IST)
ankit-sakhiya-reveals-untold-story-of-gujarati-film-laalo-and-talks-about-laalo-2

Ankit Sakhiya On Gujarati Film Laalo: ગુજરાતી સિનેમાના આકાશમાં ‘લાલો’ એક તારલો બનીને ચમક્યો છે. નાનકડા બજેટની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એવો ધમાકો કર્યો કે દિગ્ગજ નિર્માતાઓ પણ આશ્ચર્યમાં મુકાયા. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક અંકિત સખીયા તો આ સફળતાને સીધો ‘ચમત્કાર’ અને ‘ભગવાનની કૃપા’ ગણાવે છે.

“પહેલા બે અઠવાડિયા ફિલ્મ ધીમે ચાલી. ત્રીજા-ચોથા અઠવાડિયાથી અચાનક એવો સર્જ આવ્યો કે અમને જાતે વિશ્વાસ નહોતો થતો,” અંકિતભાઈએ જણાવ્યું. મારા ગામમાં સ્ક્રિનિંગ દરમિયાન 2000 લોકો ઇન્ટરવલ વગર ફિલ્મ જોઈને રડતા રહ્યા. કેટલાક વડીલોએ તો કહ્યું, “બેટા, તેં આખું ગામ એક કરી દીધું!

ફિલ્મની સફળતાનું સૌથી મોટું કારણ લોકોના હૃદય સુધી પહોંચતા ડાયલોગ્સ અને શ્રી કૃષ્ણનું અત્યંત સરળ, હ્યુમન અને કાઠિયાવાડી અંદાજમાં દર્શન. કૃષ્ણનું પાત્ર ભજવનાર અભિનેતા શૃહદ ગોસ્વામી (સુરહતભાઈ) શૂટિંગના માત્ર બે દિવસ પહેલા ડરી ગયા હતા. તેમણે અંકિતભાઈને કહ્યું, “યાર, મારાથી કૃષ્ણ નહીં થાય.” અંકિતભાઈએ હસીને જવાબ આપ્યો, “ભાઈ તું કૃષ્ણ જ છે, બસ એટલું બિલીવ કર!”

અંકિત સખીયા માટે કૃષ્ણ કોઈ દૈવી મહાકાય સ્વરૂપ નહીં, પણ આપણી અંદરનો અવાજ છે. “કૃષ્ણ એ આપણો ઇનર વૉઇસ છે જે સતત કહે છે – યાર આ ખોટું છે. જ્યારે આપણે મંદિરમાં ભગવાન સાથે વાત કરીએ છીએ ત્યારે ખરેખર આપણે પોતાની સાથે જ વાત કરીએ છીએ,” તેમણે કહ્યું.

ફિલ્મના કેટલાક ડાયલોગ્સ તો લોકોના મોઢે ચોંટી ગયા છે :

“હું તો તારી અંદર જ છું, તારે બસ મને ફીલ કરવાની જરૂર છે.”
“માંગીશ ને એના કરતાં વધારે આપીશ, પણ તું મારી સાથે રહેજે.”
“રસ્તો તો હું દેખાડીશ, પણ કરવું તો તારે જ પડશે.”

આજે લોકો ‘લાલો 2’ની માંગ કરી રહ્યા છે. અંકિતભાઈ હસીને કહે છે, “હવે તો લાગે છે કે બનાવવી જ પડશે. આ પાત્રો અમર થઈ ગયા છે. કાળિયા ઠાકરની ઈચ્છા હશે તો જરૂર બનશે.” લોકો મને ઘણી જગ્યાએ મળે છે ત્યારે કહે છે કે લાલો 2 બનાવો. લાલાને નોકરી અપાવો, લાલાને યુપીએસસી ક્રેક કરાવો. તો મને એવું લાગે છે હવે બનાવવી પડશે.

નાનકડી ટીમ, મર્યાદિત સાધનો, નેચરલ લાઇટ, સિંક સાઉન્ડ અને અભિનેતાઓને મળેલી સ્વતંત્રતા – આ બધું મળીને ‘લાલો’ એક એવી ફિલ્મ બની જે માત્ર મનોરંજન જ નહીં, પણ લોકોના હૃદયમાં ઊંડું સ્થાન બનાવી ગઈ.

અંકિત સખીયાના શબ્દોમાં કહીએ તો – “સારી ફિલ્મો બનાવવી અમને આવડે ખરી, પણ લોકો પગે લાગે, આંસુ સારે અને દિલથી જોડાય – એ તો ફક્ત ઓલાની કૃપા છે.”

‘લાલો’એ સાબિત કરી દીધું કે જો વાત દિલમાંથી નીકળે અને દિલ સુધી પહોંચે, તો બજેટ કે સ્ટારડમની જરૂર જ નથી. બસ જરૂર છે તો એક સાચા હૃદયની અને થોડીક ભગવાનની કૃપાની.