Amitabh Bachchan KBC: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 'કૌન બનેગા કરોડપતિ' (KBC) શોમાં ઘણીવાર પોતાના અંગત જિંદગીના કિસ્સાઓ શેર કરતા રહે છે. તાજેતરના એક એપિસોડમાં તેમણે પોતાના જીવનના સૌથી મોટા અફસોસ વિશે ખુલાસો કર્યો, જેણે દર્શકોને ભાવુક કરી દીધા.
બિગ બીને કઈ વાતનો અફસોસ છે…
બિગ બીએ જણાવ્યું કે તેમને એ વાતનો અફસોસ છે કે તેઓ પોતાના બાળકો અભિષેક અને શ્વેતા સાથે પૂરતો સમય વિતાવી શક્યા ન હતા. અમિતાભ બચ્ચને તે દિવસોને યાદ કર્યા જ્યારે તેઓ કામમાં અતિ વ્યસ્ત રહેતા હતા. તેમણે કહ્યું કે અમારું વાતાવરણ ખૂબ જ સાધારણ હતું. બાળકોની દેખરેખ જયા કરતી અને હું કામ પર જતો. તેમણે આગળ સ્પષ્ટતા કરી કે આ એક મારા મનમાં અફસોસ રહ્યો છે કે હું વધારે સમય બાળકો સાથે વિતાવી ન શક્યો , કારણ કે અમે લોકો સવારથી લઈને રાત સુધી કામ કરતા હતા.
બાળકોને સમય ન આપી શક્યો…
અમિતાભ બચ્ચને કહ્યું કે તેઓ સવારે જ્યારે નીકળતા ત્યારે બાળકો સૂતા હોય અને મોડી રાત્રે પાછા આવતા ત્યારે પણ બાળકો સૂતા જ હોય, તેથી તેમને બાળકો સાથે સમય જ ન મળ્યો. આ સમયગાળા દરમિયાન તેમની પત્ની જયા બચ્ચને જ બાળકોને સંભાળ્યા હતા. બિગ બીએ ભાવુક થતાં કહ્યું કે ક્યારેક લાગે છે કે કાશ હું પણ અભિષેક કે શ્વેતા સાથે સમય વિતાવી શકતો.
બિગ બીએ જણાવ્યું કે પછી એ નક્કી થયું કે હું રવિવારે કામ નહીં કરું અને તે દિવસ બાળકો માટે હતો. આ ખાસ દિવસે તેઓ બાળકો સાથે વિવિધ રમતો રમતા કે બીજી કોઈ પ્રવૃત્તિ કરતા હતા. અમિતાભે ઉમેર્યું કે આ પરંપરા આજે પણ તેમના ઘરમાં ચાલુ છે, જ્યાં રવિવારે આખો પરિવાર એકસાથે બેસીને એક ભોજન લે છે.