સુપરહિટ ‘લાલો’ બાદ નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ અને રીવા રાચ્છનો નવો ધમાકો; ગીરના સાવજ અને આસ્થાની ગાથા ‘અંબા’નું દમદાર ટ્રેલર રિલીઝ

સુપરહિટ ફિલ્મ ‘લાલો’ તેમજ ‘રાજાધિરાજ’, ‘સરદાર’ અને ‘છોટા ભીમ’ જેવા ભવ્ય નાટકો આપનાર નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (Neemtree Entertainment) પ્રસ્તુત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત આગામી ફિલ્મ ‘અંબા’ (Amba) નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 25 Nov 2026 10:23 AM (IST)Updated: Wed, 25 Nov 2026 10:23 AM (IST)
amba-gujarati-movie-trailer-out-reeva-rachh-vijaygiri-bava-neemtree-entertainment-release-date-11-december-2026-gujarati-news
ગુજરાતી ફિલ્મ અંબાનું ટ્રેલર

Amba Gujarati Movie Trailer: ગુજરાતી સિનેમામાં વધુ એક ભવ્ય અને અનોખો પ્રયોગ થવા જઈ રહ્યો છે. સુપરહિટ ફિલ્મ ‘લાલો’ તેમજ ‘રાજાધિરાજ’, ‘સરદાર’ અને ‘છોટા ભીમ’ જેવા ભવ્ય નાટકો આપનાર નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (Neemtree Entertainment) પ્રસ્તુત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત આગામી ફિલ્મ ‘અંબા’ (Amba) નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરના VFX અને ભવ્ય પ્રોડક્શન સ્કેલ સાથે તૈયાર થયેલી આ ફિલ્મ આગામી 11 ડિસેમ્બર, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ગીરના જંગલ, સાવજ અને માલધારી કન્યાની અદભૂત વાર્તા

પરંપરાગત શહેરી કે પારિવારિક વાર્તાઓથી અલગ ‘અંબા’ દર્શકોને ગીરના એવા ગૂઢ અને આધ્યાત્મિક જંગલમાં લઈ જાય છે, જ્યાં વન્યજીવો અને માલધારીઓ અદભૂત સંવાદિતા સાથે રહે છે. ટ્રેલરમાં બાળપણથી જ સિંહના બચ્ચાને ‘વનરાજ’ કહીને ઉછેરતી અંબા (રીવા રાચ્છ) અને સાવજ વચ્ચેની નિર્દોષ દોસ્તી તથા અતૂટ વિશ્વાસની ઝલક જોવા મળે છે. હાથમાં ડાંગ લઈને ફરતી માલધારી કન્યાને જોઈ વન વિભાગના અધિકારી (દર્શન પંડ્યા) ગર્વથી કહે છે કે, “મેઘાણીની ચારણ કન્યા આજે મેં નજરે જોઈ!”, જ્યારે વિદેશી પ્રવાસીને આ રહસ્યમય કન્યા વિશે ‘માંગળાની ભૂતાવળ’ તરીકે ઓળખ અપાય છે.

શિકારીઓનો પડકાર અને જગદંબાનું રૌદ્ર સ્વરૂપ

વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે જંગલની શાંતિ ડહોળવા શિકારીઓની ગેંગ સક્રિય થાય છે અને ઘમંડી શિકારી (જગજીતસિંહ વાઢેર) વનરાજને પડકાર ફેંકે છે. સાવજને બચાવવા વન વિભાગના અધિકારી શિકારીઓ સામે બાથ ભીડે છે, ત્યારે કુદરત અને આસ્થાના પરચા રૂપે જગદંબાના અવતારમાં ‘અંબા’ ની રૌદ્ર એન્ટ્રી થાય છે. પાણીમાંથી નીકળતી અંબા અને વનરાજના દિલધડક દ્રશ્યો તથા ઉચ્ચ કક્ષાના VFX ગુજરાતી સિનેમાના ટેકનિકલ માપદંડોને નવી ઊંચાઈએ લઈ જાય તેવા છે.

દમદાર સ્ટારકાસ્ટ અને ક્રિએટિવ ટીમ

ફિલ્મમાં ‘લાલો’ ફેમ રીવા રાચ્છ શીર્ષક પાત્ર ‘અંબા’ ના સશક્ત રોલમાં છે, જ્યારે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી નીલમ પંચાલ પણ ખાસ ભૂમિકામાં જોવા મળે છે. આ ઉપરાંત દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, અમેરિકન અભિનેત્રી એલેસાન્ડ્રા વ્હીલન, ગૌરાંગ આનંદ, આકાશ ઝાલા, સ્વાતિ દવે, ફિરોઝ ઈરાની અને રિદ્ધિ ડાંગર મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે.

વિભાગ વિગત
દિગ્દર્શન, વાર્તા અને પટકથા વિજયગીરી બાવા
નિર્માતા અને સહ-નિર્માતા ભૂમિ નાથવાણી (શ્રી પરિમલ નાથવાણીના આશીર્વાદ સાથે), ટ્વિંકલ વિજયગિરી
સંવાદ અને સંગીત રામ મોરી (સંવાદ), કેદાર-ભાર્ગવ (સંગીત)
સિનેમેટોગ્રાફી અને વિતરણ ગાર્ગેય ત્રિવેદી, રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ.
રિલીઝ તારીખ 11 ડિસેમ્બર, 2026

વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ગીરની ધરતીનો આત્મા, માલધારીઓની અડગ શ્રદ્ધા અને પ્રકૃતિ સાથેના અતૂટ સંબંધની ગાથા રજૂ કરે છે.