Sidharth Malhotra Visits Siddhivinayak Temple: બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તાજેતરમાં જ એક પુત્રીના માતા-પિતા બન્યા છે. પુત્રીના જન્મને કારણે મલ્હોત્રા અને અડવાણી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પિતા બન્યા પછી, સિદ્ધાર્થ પણ તેના શૂટિંગ શેડ્યૂલમાંથી બ્રેક લઇ રહ્યો છે અને તેની પુત્રી અને પત્નીની સંભાળ રાખી રહ્યો છે. આ દરમિયાન, અભિનેતા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. તેમણે બાપ્પાનો આભાર માન્યો હતો. આ પ્રસંગે તેમની માતા પણ તેમની સાથે જોવા મળી હતી. બંનેએ ભગવાનના દર્શન કર્યા, જેનો વીડિયો સામે આવ્યો છે.
સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા
પુત્રીના જન્મના થોડા દિવસો પછી, સિદ્ધાર્થ મલ્હોત્રા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા છે. આ પ્રસંગે તેઓ તેમની માતા સાથે જોવા મળ્યા હતા. અભિનેતા વાદળી કુર્તા અને કાળા ડેનિમ પહેરેલા સરળ દેખાતા હતા. સિદ્ધાર્થે બાપ્પાના ચરણોમાં નમન કર્યું અને તેમની પુત્રી માટે આશીર્વાદ માંગ્યા હતા.
પોસ્ટ કરીને જાણ કરી હતી
16 જુલાઇના રોજ, કિયારાએ એક પુત્રીને જન્મ આપ્યો. આ સ્ટાર કપલે એક પોસ્ટ શેર કરી અને તેમના ચાહકોને આ ખુશખબર જણાવી હતી. સિદ્ધાર્થ અને કિયારાએ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે તેમની પુત્રીના જન્મની ખુશી શેર કરી અને લખ્યું કે, "અમારા દિલ ભરાઈ ગયા છે અને અમારી દુનિયા કાયમ માટે બદલાઈ ગઈ છે. અમારા ઘરે એક સુંદર પુત્રી આવી છે." આ સાથે, તેમણે મીડિયા અને પાપારાઝીને બાળકીના ફોટા ન લેવા વિનંતી કરી હતી.
સિદ્ધાર્થના પ્રોજેક્ટ
વર્કફ્રંટની વાત કરીએ તો, સિદ્ધાર્થ મલ્હોત્રા આવતા મહિને પોતાની ફિલ્મ 'પરમ સુંદરી' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે જાહ્નવી કપૂર જોવા મળશે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મનું નિર્દેશન તુષાર જલોટા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સંજય કપૂર, ઇનાયત વર્મા અને મનજોત સિંહ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થવા જઈ રહી છે.
કિયારા અડવાણી વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ 'વોર 2' માં જોવા મળશે. યશરાજ ફિલ્મ્સના આ એક્શનથી ભરપૂર પ્રોજેકટમાં તેની સાથે ઋતિક રોશન અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં જ તેનું ટ્રેલર રિલીઝ થયું હતું જેમાં કિયારાને એક્શન કરતી જોવાની મજા આવી. હવે ફિલ્મની રાહ જોવાઈ રહી છે.
