Nilam Panchal: ગુજરાતી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેત્રી નિલમ પંચાલે સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક વીડિયો પોસ્ટ કરીને પોતાના બાળપણની સંઘર્ષગાથા શેર કરી છે. તાજેતરમાં સ્વર્ગસ્થ થયેલા ‘ગુજ્જુ લવ ગુરુ’ ના પરિવાર માટે એકત્રિત થયેલા ફંડ અંગે પોતાના વિચારો રજૂ કરતા તેમણે સમાજ અને આયોજકોને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આ લોકસેવાના નાણાંનો સાચો અને યોગ્ય ઉપયોગ માત્ર ને માત્ર તેમના અનાથ બાળકોના ભવિષ્ય માટે થવો જોઈએ.
"4 વર્ષની વયે પિતા ગુમાવ્યા, માતાએ કાળી મજૂરી કરી": નિલમ પંચાલ
પોતાના બાળપણના કડવા અનુભવો વાગોળતા નિલમ પંચાલે વીડિયોમાં જણાવ્યું હતું કે, "હું માત્ર 4 વર્ષની હતી ત્યારે જ મારા પિતાનું અવસાન થયું હતું. અમે ચાર બહેનો હતી અને પિતાના ગયા પછી અમારા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તે સમયે કોઈ સગાં-સંબંધીઓ પણ અમારી મદદે આવ્યા નહોતા. મારી માતાએ રાત-દિવસ કાળી મજૂરી કરીને અમને ચારેય બહેનોને મોટી કરી અને ભણાવી-ગણાવી છે." પિતા વગરની છત્રછાયામાં બાળકોના ઉછેર અને શિક્ષણમાં કેટલી તકલીફો પડે છે તે વેદના તેમણે પોતે અનુભવી છે.
3.5 કરોડનું ફંડ બાળકોના ભવિષ્ય અને અભ્યાસ માટે વપરાય
'ગુજ્જુ લવ ગુરુ'ના અવસાન બાદ લોકો દ્વારા આશરે સાડા ત્રણ કરોડ રૂપિયાનું દાન એકત્રિત કરવામાં આવ્યું છે. આ અંગે વાત કરતા નિલમ પંચાલે કહ્યું કે, "જે લોકોએ પણ દાન આપ્યું છે, તેમણે એ નાના બાળકોના મોં જોઈને પૈસા આપ્યા છે. આ પૈસા પર સૌથી પહેલો અને સાચો હક તેમના નાના બાળકોનો છે. આ રકમમાંથી 1-1 કરોડ રૂપિયા બાળકોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવવી જોઈએ, જે ભવિષ્યમાં માત્ર તેમના અભ્યાસ અને ઉછેર માટે જ વપરાય."
પત્ની અને માતા-પિતાની સુરક્ષા પર ભાર
તેમણે વધુમાં ઉમેર્યું કે બાળકો ઉપરાંત આ રકમનો ઉપયોગ તેમની પત્નીની આર્થિક સુરક્ષા અને સ્વર્ગસ્થના વૃદ્ધ માતા-પિતા માટે થવો જોઈએ. આ સિવાય અન્ય કોઈને પણ આ પૈસાની જરૂર નથી અને નાણાં યોગ્ય જગ્યાએ સુરક્ષિત સેટ થાય તે અત્યંત જરૂરી છે. નિલમ પંચાલની આ સંવેદનશીલ અને વ્યવહારુ અપીલને સોશિયલ મીડિયા પર લોકોનો ભારે સમર્થન મળી રહ્યો છે.
ગુજ્જુ લવ ગુરુના પરિવારને 3 કરોડ 49 લાખ 71 હજારની સહાય મળી
સ્વર્ગસ્થ 'ગુજ્જુ લવ ગુરુ' ના પરિવારને લોકસહાય રૂપે કુલ 3 કરોડ 49 લાખ 71 હજારની માતબર રકમ પ્રાપ્ત થઈ છે, જેમાં ઓનલાઈન માધ્યમથી 2.96 કરોડ અને 53,71,189 રોકડા એકત્રિત થયા છે. આ એકત્રિત થયેલા ફંડની પરિવાર વચ્ચે યોગ્ય વહેંચણી અને નાણાકીય સુરક્ષા માટે સુઆયોજિત આયોજન કરવામાં આવ્યું છે, જે મુજબ સ્વર્ગસ્થ ચંદનાના પિતાના નામે 40 લાખ, તેમના નાના ભાઈ પરેશના નામે 1 કરોડ અને ચંદન રાઠોડના પત્નીના નામે 41 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરવામાં આવશે; આ ઉપરાંત તેમના બંને બાળકોના ભવિષ્ય અને અભ્યાસ માટે 41-41 લાખ તેમજ ત્રણેય બહેનોના નામે પણ ₹11-11 લાખની એફડી બનાવવામાં આવશે, જ્યારે એકત્ર થયેલી સમગ્ર રોકડ રકમ 53,71,189 માથી ચંદનના દીકરાના નામે જમીનની ખરીદી કરીને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
