Gujarat TAT Result 2026: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત મે મહિનામાં લેવામાં આવેલી ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ (TAT)નું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગના વિવિધ ઠરાવો અને જોગવાઈઓ હેઠળ લેવાયેલી આ પરીક્ષામાં લાખો ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેના પરિણામની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.
3 મેના રોજ પરીક્ષા લેવાયા બાદ 25મીએ આન્સર કી જારી કરાઈ હતી
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ કસોટીનું આયોજન 3 મે 2026ના રોજ રવિવારના દિવસે કરવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે 8 મે 2026ના રોજ તમામ ઉમેદવારોની OMR શીટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે બાદ 16 મે 2026ના રોજ પ્રોવિઝનલ આન્સર-કી જાહેર કરી ઉમેદવારો પાસેથી 18 મે 2026 થી 25 મે 2026 દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો મંગાવવામાં આવી હતી.
વિષય નિષ્ણાંતો દ્વારા આ રજૂઆતોની ઊંડાણપૂર્વક ચકાસણી કર્યા બાદ 25 મે 2026ના રોજ ફાઈનલ આન્સર-કી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેના આધારે આજે આ આખરી પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.
3628 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવ્યા
શિક્ષક અભિરૂચ કસોટી (TAT) માટે નોંધાયેલા કુલ 2,10,580 ઉમેદવારોમાંથી 1,85,030 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. 200 ગુણની આ પરીક્ષામાં ઉમેદવારોના ગુણ મુજબનું વિભાજન નીચે મુજબ છે:
70 કે તેથી વધુ ગુણ મેળવનાર: 75,980 ઉમેદવારો
80 કે તેથી વધુ ગુણ મેળવનાર: 53,215 ઉમેદવારો
90 કે તેથી વધુ ગુણ મેળવનાર: 33,612 ઉમેદવારો
100 કે તેથી વધુ ગુણ મેળવનાર: 26,444 ઉમેદવારો
120 કે તેથી વધુ ગુણ મેળવનાર: 3,628 ઉમેદવારો
અંગ્રેજી માધ્યમમાં 3510 ઉમેદવારો પૈકી માત્ર 163ના 120થી વધુ માર્ક્સ
- ગુજરાતી માધ્યમ: આ માધ્યમમાં સૌથી વધુ 2,05,475 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 1,81,520 ઉમેદવારો પરીક્ષા આપવા હાજર રહ્યા હતા. ગુજરાતી માધ્યમમાં 120 થી વધુ ગુણ મેળવનાર તેજસ્વી ઉમેદવારોની સંખ્યા 3,465 છે.
- અંગ્રેજી માધ્યમ: અંગ્રેજી માધ્યમમાં 5,105 નોંધાયેલા ઉમેદવારોમાંથી 3,510 ઉમેદવારો હાજર રહ્યા હતા. આ માધ્યમમાં 120 થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ઉમેદવારોની સંખ્યા 163 નોંધાઈ છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આ પરિણામ બાદ હવે સફળ થયેલા ઉમેદવારો શિક્ષક બનવાની દિશામાં એક ડગલું આગળ વધ્યા છે. ઉમેદવારો બોર્ડની વેબસાઈટ પર જઈને વિગતવાર પરિણામ જોઈ શકશે.
