Pilot Career In India: પાઈલટ કેવી રીતે બનવું? જાણો યોગ્યતા, ફી અને મહિને મળતા લાખો રૂપિયાના પગાર વિશે વિગતવાર માહિતી

કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીથી પ્રેરિત થઈને, આ લેખ ભારતમાં પાઈલટ બનવા માટેની યોગ્યતા, તાલીમ પ્રક્રિયા અને જરૂરી ખર્ચ વિશે માહિતી આપે છે. તે પાઈલટોને મળતા આકર્ષક પગાર અને વિદેશમાં તાલીમ લેવાના ફાયદાઓ પર પણ પ્રકાશ પાડે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 02 Oct 2026 06:40 PM (IST)Updated: Fri, 02 Oct 2026 06:40 PM (IST)
pilot-career-guide-in-india-after-12th-training-steps-course-fees-and-monthly-salary

Pilot Career In India: દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાય દુબઈ'ની ફ્લાઈટને હાઈજેક અને ક્રેશ થતી રોકવા માટે પોતાના જાનની બાજી લગાવનારા ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

કેપ્ટન સ્મિત મચ્છરે જે વીરતાથી હુમલાખોરનો મુકાબલો કર્યો અને 9-11 જેવો આતંકવાદી હુમલો થતો અટકાવ્યો, તે બાદ આજે દરેક યુવાનોના મનમાં એક પ્રશ્ન સ્વાભાવિક ઉઠી રહ્યો છે કે, અમારે સ્મિત મચ્છર જેવા પાઈલટ બનવું હોય તો શું કરવું, તેમાં કેવી રીતે તાલીમ આપવામાં આવે છે? તો તમારી આજ મુંઝવણને અમે અહીં દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ

ધો.12માં ફિઝિક્સ, મેથ્સ અને અંગ્રેજી ફરજિયાત હોવું જોઈએ

પાઈલટ બનવા માટે ધોરણ 12માં ફિજિક્સ અને મેથ્સની સાથે-સાથે અંગ્રેજી હોવું આવશ્યક છે. જો તમે આર્ટ્સ કે કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કર્યો હોય, તો ધી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઑપન સ્કૂલિંગ (NIOS) બોર્ડથી ઑપન સ્કૂલિંગ મારફતે અલગથી પણ એક્ઝામ આપી શકાય છે.

મેડિકલી ફિટ હોવું જરૂરી

મેડિકલ ફિટનેસ (DGCA Class 1 એન્ડ 2): આંખોનું તેજ, હ્રદયનું સ્વાસ્થ્ય, સાંભળવાની ક્ષમતા અને ઑવરઑલ ફિટનેસ ચેક કરવામાં આવે છે. 40 વર્ષથી ઓછી વયના પાઈલટો માટે DGCAના ક્લાસ 1 મેડિકલ ટેસ્ટ વર્ષમાં એકવાર થાય છે.

જ્યારે કૉમર્શિયલ પાઈલટ લાઈસન્સ (CPL) માટે DGCAના નિયમો અંતર્ગત ઓછામાં ઓછા 200 કલાકની ફ્લાઈંગ ટ્રેનિંગ (સોલો અને ક્રોસ કન્ટ્રી મળીને) અને થિયરી એક્ઝામ (એર નેવિગેશન, એવિએશન મીટિયોરોલૉજી, એર રેગ્યુલેશન્સ વગેરે) પાસ કરવી પડે છે.

કૉકપિટની સીક્રેટ ટ્રેનિંગ કેવી રીતે આપવામાં આવે

સૌ પ્રથમ ગ્રાઉન્ડ સ્કૂલમાં થિયરી ભણાવવામાં આવે છે. જેમાં હવામાનનો મિજાજ સમજવો, પ્લેનની જટિલ ટેક્નિકલ સિસ્ટમની ઝીણવટપૂર્વક સમજણ અને એર સ્પેસના કાયદા વિશે વિગતવાર સમજણ આપવામાં આવે છે.

બીજા તબક્કામાં ઈન્સ્ટ્રૂમેન્ટ ફ્લાઈંગમાં રાતના ઘનઘોર અંધારામાં, ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનમાં જ્યારે બહાર કશું જ ના દેખાય, ત્યારે માત્ર કૉકપિટની સ્ક્રીન પર વિશ્વાસ રાખીને લેન્ડિંગ કરતા શીખવવામાં આવે છે. જે બાદ ઈમરજન્સી ડ્રિલ્સ (સિમ્યુલેટર ટ્રેનિંગ) આપવામાં આવે છે. જેમાં કૉકપિટમાં અચાનક આગ ભભૂકે, એન્જિન ફેઈલ થઈ જાય અથવા પ્લેન ઝડપથી નીચે ધસી આવે, તેવી કટોકટીભરી પરિસ્થિતિની સિમ્યુલેટર વિશે વારંવાર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. આ માટે દર 6 મહિનામાં પાઈલટને આ સિમ્યુલેટર ચેકમાંથી પસાર થવું પડે છે.


પાઈલટ બનવા માટે વિદ્યાર્થીઓની પરદેશ પ્રથમ પસંદ

એવિએશનના સ્માર્ટ સ્ટૂડન્ટ્સ ભારત કરતાં ન્યૂઝીલેન્ડ, અમેરિકા કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોની ફ્લાઈંગ સ્કૂલ પર સૌથી વધુ પસંદ કરે છે. હકીકતમાં વિદેશમાં સ્વચ્છ વાતાવરણના કારણે 200 કલાકની ફ્લાઈંગ ટ્રેનિંગ ઝડપથી પુરી થઈ જાય છે. બીજી તરફ ભારતમાં ચોમાસા અને શિયાળામાં ગાઢ ધુમ્મસના કારણે તેના માટે વધારે સમય લાગે છે.

ભારતમાં કૉમર્શિયલ પાઈલટ લાઈસન્સ (CPL) મળવામાં ઘણીવાર દોઢથી બે વર્ષ જેટલો સમય લાગે છે, જ્યારે વિદેશમાં આ ટ્રેનિંગ વધુમાં વધુ 1 વર્ષમાં જ પુરી થઈ જતી હોય છે.

પાઈટલને કેટલો પગાર મળે?

અત્યારે ભારતમાં એવિએશન સેક્ટર પોતાના સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યું છે, જેના પરિણામે પાઈલટોની ભારે માંગ છે.

જુનિયર ફર્સ્ટ ઑફિસર (ટ્રેઈની): દર મહિને રૂ. 50 હજારથી 1 લાખ (પ્લસ સ્ટાઈપેન્ડ)

ફર્સ્ટ ઑફિસર (કો-પાઈલટ): દર મહિને અઢી લાખથી સાડા ચાર લાખ રૂપિયા

કેપ્ટન (કમાન્ડર): દર મહિને સાડા 6 લાખથી સાડા 9 લાખની આસપાસ

આંતરાષ્ટ્રીય કેપ્ટન અનુભવીઃ દર મહિને 10 થી 15 લાખ રૂપિયાની આસપાસ

પાયલટ બનવા માટે ફીની વાત કરીએ તો, કૉમર્શિયલ પાઈલટ લાઈસન્સ (CPL) ટ્રેનિંગ પુરી થયા બાદ પ્લેનને ઉડાડવાની તાલીમ મળીને કુલ ખર્ચો 65 થી 85 લાખની આસપાસ આવી શકે છે.

(પગાર અને ફીની રકમ અંદાજિત છે, જે એરલાઈન્સ અને ઈન્સ્ટીટ્યૂટ પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે)