GSRTC Helper Recruitment 2026: સરકારી ભરતીની રાહ જોઈ રહેલા યુવાનો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત એસ.ટી. નિગમમાં હેલ્પર કક્ષાની 2500થી વધુ જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારો પાસેથી ઑનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
7 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર વચ્ચે અરજી કરી શકાશે
GSRTC દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, એસ.ટી. વિભાગમાં હેલ્પર કક્ષાની 2510 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે આગામી 7 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર, 2026 દરમિયાન ઑનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
આ માટે રસ ધરાવતા ઉમેદવારોએ ભરતી માટેની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જઈને ઑનલાઈન અરજી કરવાની રહેશે. જ્યારે ઉમેદવારો 8 ઓક્ટોબર સુધી ઑનલાઈન ફી ભરી શકશે.
કોણ અરજી કરી શકશે અને કેટલો પગાર મળશે?
હેલ્પરની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે. જ્યારે હેલ્પરની લાયકાત માટે ઉમેદવારે સરકાર માન્ય ITIમાંથી મોટર મેકેનિક, ડીઝલ મેકેનિક, ફિટર, ટર્નર, ઈલેક્ટ્રિશિયન, વેલ્ડર, સહિતના નિર્ધારિત ટ્રેડમાં કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. આ પોસ્ટ માટે સિલેક્ટ થયેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે માસિક 21,500 રૂપિયાનો ફિક્સ પગાર મળશે.
330 મહિલાઓ સહિત 673 બેઠકો ઓપન કેટેગરીના ઉમેદવારો માટે અનામત
કુલ 2510 બેઠકો પૈકી 673 જગ્યાઓ સામાન્ય વર્ગના ઉમેદવારો માટે અનામત છે, જે પૈકી 330 જગ્યા મહિલા ઉમેદવારો માટે રાખવામાં આવી છે. આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 86 મહિલા ઉમેદવારો સહિત કુલ 175 જગ્યા ફાળવવામાં આવી છે.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના ફાળે સામાન્ય ઉમેદવારો માટે 442 જગ્યાઓ અને મહિલા ઉમેદવારો માટે 217 જગ્યાઓ રાખવામાં આવી છે. તેમજ અનુસૂચિત જાતિ (SC) કેટેગરી હેઠળ સામાન્ય ઉમેદવારો માટે 114 જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે 56 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.
આવી જ રીતે અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાં સામાન્ય ઉમેદવારો માટે 280 જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે 137 જગ્યાઓ નિયત કરવામાં આવી છે.
આ તમામ કુલ જગ્યાઓ પૈકી વિશેષ અનામત શ્રેણી હેઠળ માજી સૈનિકો માટે 502 જગ્યાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે 52 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.
ઓનલાઈન અરજી કરતા ઉમેદવારો માટે જરૂરી સૂચના
ફોટોગ્રાફ: સાઇઝ 10 KB થી વધારે ન હોવી જોઈએ અને JPG ફોર્મેટમાં જ સ્વીકારવામાં આવશે.
ઉમેદવારની સહી: સાઇઝ 10 KB થી વધારે ન હોવી જોઈએ અને તે પણ .jpg ફોર્મેટ જ હોવી જોઈએ.
ડોક્યુમેન્ટ્સઃ ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય તમામ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે મુજબ જ સાચી વિગતો ભરવાની રહેશે. ખોટી વિગતો ભરવાના કારણે અરજી રદ થઈ શકે છે.
મોબાઇલ અને ઈ-મેઈલ ID: અરજી ફોર્મમાં પોતાનો ચાલુ મોબાઇલ નંબર અને ઈ-મેઈલ આઈ.ડી. અવશ્ય લખવો અને ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ નંબર કાર્યરત રાખવો જરૂરી છે.
