Shardiya Navratri 2026 Gujarati Calendar (શારદીય નવરાત્રી કેલેન્ડર 2026): શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી. ચૈત્ર નવરાત્રી બાદ ભક્તો શારદીય નવરાત્રીની આતુરતાથી રાહ જોતા હોય છે. આસો માસમાં આવતી આ નવરાત્રી દરમિયાન સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ભક્તિમય માહોલ જોવા મળે છે. 9 દિવસ સુધી માતાજીની આરાધના, ઘટસ્થાપન અને રાત્રે ગરબાની રમઝટ બોલે છે. વર્ષ 2026માં શારદીય નવરાત્રી ક્યારે શરૂ થશે અને ઘટસ્થાપન માટે કયું મુહૂર્ત શ્રેષ્ઠ છે, તેની સંપૂર્ણ વિગત આ આર્ટિકલમાં મેળવો.
શારદીય નવરાત્રી 2026 ક્યારે શરૂ થશે?
હિન્દુ પંચાંગની ગણતરી મુજબ, આસો માસના શુક્લ પક્ષની એકમ (પ્રતિપદા) તિથિનો પ્રારંભ 10 ઓક્ટોબર, 2026 ના રોજ શનિવારે સવારે 09:19 વાગ્યે થશે, જે બીજા દિવસે 11 ઓક્ટોબર ના રોજ સવારે 09:30 વાગ્યે પૂર્ણ થશે. શાસ્ત્રોમાં સૂર્યોદય વ્યાપિની તિથિનું મહત્વ હોવાથી, શારદીય નવરાત્રીનો વિધિવત પ્રારંભ 11 ઓક્ટોબર, 2026 થી થશે.
ઘટસ્થાપન (કળશ સ્થાપના) માટેના શુભ મુહૂર્ત
જ્યોતિષીય ગણતરી અનુસાર, 11 ઓક્ટોબર ના રોજ માતાજીના સ્થાપન માટે બે અત્યંત શ્રેષ્ઠ મુહૂર્ત છે:
- સવારનું શ્રેષ્ઠ મુહૂર્ત: સવારે 06:35 થી 10:29 વાગ્યા સુધી (કુલ સમય: 3 કલાક 54 મિનિટ).
- અભિજિત મુહૂર્ત: બપોરે 12:03 થી 12:50 વાગ્યા સુધી (કુલ સમય: 47 મિનિટ).
11 ઓક્ટોબર 2026 ના રોજનું પંચાંગ
- સૂર્યોદય: 06:20 AM
- સૂર્યાસ્ત: 05:57 PM
- બ્રહ્મ મુહૂર્ત: 04:41 AM થી 05:31 AM
- અભિજિત મુહૂર્ત: 11:45 AM થી 12:32 PM
- વિજય મુહૂર્ત: 02:05 PM થી 02:51 PM
- અમૃત કાલ: 03:55 PM થી 05:34 PM
- નિશિતા મુહૂર્ત: 11:44 PM થી 12:33 AM (12 ઓક્ટોબર)
ઘટસ્થાપનની શાસ્ત્રોક્ત વિધિ
માતાજીની કૃપા મેળવવા માટે પ્રથમ નોરતે વિધિ-વિધાન સાથે કળશ સ્થાપના કરવી જોઈએ:
- સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા અને પૂજા સ્થાનને સાફ કરી ગંગાજળ છાંટી પવિત્ર કરવું.
- બાજોઠ પર હળદરથી અષ્ટદળ કમળ બનાવવું.
- માટી, તાંબા કે ચાંદીના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળ, સિક્કો, સોપારી, અક્ષત અને ફૂલ પધરાવવા.
- કળશ પર આસોપાલવ કે આંબાના પાન મૂકી, તેના પર લાલ વસ્ત્રમાં લપેટેલું શ્રીફળ (નાળિયેર) સ્થાપિત કરવું.
- કળશને કંકુનું તિલક કરી માતા દુર્ગાનું આહ્વાન કરવું.
શારદીય નવરાત્રી 2026: સંપૂર્ણ કેલેન્ડર
- 11 ઓક્ટોબર: પ્રથમ નોરતું - માં શૈલપુત્રી પૂજા (ઘટસ્થાપન)
- 12 ઓક્ટોબર: બીજું નોરતું - માં બ્રહ્મચારિણી પૂજા
- 13 ઓક્ટોબર: ત્રીજું નોરતું - માં ચંદ્રઘંટા પૂજા
- 14 ઓક્ટોબર: ચોથું નોરતું - માં કુષ્માંડા પૂજા
- 15 ઓક્ટોબર: પાંચમું નોરતું - માં સ્કંદમાતા પૂજા
- 16 ઓક્ટોબર: છઠ્ઠું નોરતું - માં કાત્યાયની પૂજા
- 17 ઓક્ટોબર: સાતમું નોરતું - માં કાલરાત્રી પૂજા
- 18 ઓક્ટોબર: સાતમ (વિશેષ પૂજા)
- 19 ઓક્ટોબર: મહાઅષ્ટમી (આઠમ) - માં મહાગૌરી પૂજા
- 20 ઓક્ટોબર: મહાનવમી/દશેરા - માં સિદ્ધિદાત્રી પૂજા અને વિજયાદશમી
શારદીય નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે?
પૌરાણિક કથાઓ અનુસાર, આ નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાએ મહિષાસુર રાક્ષસ સાથે ભીષણ યુદ્ધ કર્યું હતું. નવમા દિવસે દેવીએ મહિષાસુરનો વધ કરી પૃથ્વીને તેના ત્રાસમાંથી મુક્ત કરી હતી, તેથી તેમને 'મહિષાસુરમર્દિની' કહેવામાં આવે છે. આ તહેવાર અનિષ્ટ પર ઈષ્ટના વિજયનું પ્રતિક છે.
