Ekadashi Dates in September 2026: હિંદુ ધર્મમાં એકાદશી (અગિયારસ) તિથિનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. માન્યતા અનુસાર, આ પવિત્ર દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા-અર્ચના અને વ્રત કરવાથી ભક્તોને પાપોમાંથી મુક્તિ મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે, એટલે કે દરેક મહિનામાં 2 એકાદશી હોય છે.
સપ્ટેમ્બર 2026 ની વાત કરીએ તો, આ મહિનામાં ભક્તોને 2 મહત્વપૂર્ણ એકાદશીના વ્રત કરવાનો રૂડો અવસર મળશે. પહેલી અજા એકાદશી 7 સપ્ટેમ્બરે અને બીજી પરિવર્તિની એકાદશી 22 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે.
અજા એકાદશી 2026: તારીખ અને શુભ મુહૂર્ત
ભારતના કેટલાક ભાગોમાં અજા એકાદશીને 'અન્નદા એકાદશી' તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી પૂર્વજન્મના પાપો નષ્ટ થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
- અજા એકાદશી વ્રતની તારીખ: 7 સપ્ટેમ્બર 2026, સોમવાર
- અજા એકાદશી તિથિનો પ્રારંભ: 6 સપ્ટેમ્બર, સાંજે 7:29 વાગ્યે
- અજા એકાદશી તિથિની સમાપ્તિ: 7 સપ્ટેમ્બર, સાંજે 5:03 વાગ્યે
- અજા એકાદશી વ્રત પારણનો સમય: 8 સપ્ટેમ્બર, સવારે 6:02 થી લઈને 8:33 સુધી
- પારણના દિવસે દ્વાદશી સમાપ્તિ: બપોરે 2:42 વાગ્યે
પરિવર્તિની એકાદશી 2026: તારીખ અને શુભ મુહૂર્ત
સપ્ટેમ્બર મહિનાની બીજી એકાદશી 22 સપ્ટેમ્બરના રોજ આવશે. આ એકાદશીને 'પાર્શ્વ એકાદશી' અને 'પદ્મા એકાદશી' જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન આવતી આ એકાદશીનું વિશેષ મહત્વ છે. માન્યતા અનુસાર, યોગનિદ્રામાં બિરાજમાન ભગવાન વિષ્ણુ આ દિવસે પોતાનું પડખું ફેરવે છે (પરિવર્તન કરે છે), જેના કારણે તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ વ્રત વિષ્ણુજીના વામન અવતાર સાથે પણ જોડાયેલું છે.
- પરિવર્તિની એકાદશી વ્રતની તારીખ: 22 સપ્ટેમ્બર 2026, મંગળવાર
- પરિવર્તિની એકાદશી તિથિનો પ્રારંભ: 21 સપ્ટેમ્બર, રાત્રે 8:00 વાગ્યે
- પરિવર્તિની એકાદશી તિથિની સમાપ્તિ: 22 સપ્ટેમ્બર, રાત્રે 9:43 વાગ્યે
- પરિવર્તિની એકાદશી વ્રત પારણનો સમય: 23 સપ્ટેમ્બર, સવારે 6:09 થી લઈને 8:35 સુધી
- પારણના દિવસે દ્વાદશી સમાપ્તિ: રાત્રે 10:50 વાગ્યે
