PF Withdrawal Rules: જીવનમાં મુશ્કેલીના સમયમાં તમારી બચત જ તમારા કામમાં આવે છે. જે પછી તમારા બેંકના બચત ખાતામાં હોય કે પછી પ્રોવિડન્ડ ફંડ (PF)માં પડી હોય. જરૂરિયાતના સમયે તમે આ બચતનો ઉપયોગ કરી શકો છો. બેંકના સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં આમ તો કોઈ તકલીફ નથી થતી, પરંતુ જો તમે વારંવાર PF ખાતામાંથી પૈસા ઉપાડતા હોવ, તો તેનાથી તમને જ નુકસાન થઈ શકે છે.
જો તમારા પગારમાંથી જ પ્રોવિડન્ડ ફંડના એકાઉન્ટમાં પૈસા જમા થઈ રહ્યા હોય, તો તેને એકદમ જરૂરિયાત જણાય ત્યારે જ ઉપાડવા જોઈએ. આજે અમે તમને જણાવીશું કે, PF ખાતામાં વારંવાર પૈસા ઉપાડવાથી તમને શું નુકસાન થાય છે.
આપણે જ્યારે PF ખાતામાં વધારે રકમ જોઈએ છીએ, ત્યારે જરૂર ના હોય તો પણ તેને ઉપાડીને ખર્ચ કરતા હોઈએ છીએ. આપણે વિચારતા જ નથી કે, PF ખાતામાં જમા રકમ પર કમ્પાઉન્ટ ઈન્ટ્રેસ્ટનો ફાયદો મળે છે. જેવા તમે પૈસા ઉપાડો તે સાથે જ આ ફાયદો ગુમાવી બેસો છો.
પ્રોવિડન્ડ ફંડના ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમ અને રીત
PFના ખાતામાંથી બે રીતે પૈસા ઉપાડી શકાય છે. પહેલું હાફ એમાઉન્ટ અને બીજુ ફુલ એમાઉન્ટ. હાફ એમાઉન્ટ તમે ચાલુ નોકરીએ ઉપાડી શકો છો. જ્યારે ફુલ એમાઉન્ટ નિવૃતિ બાદ અથવા તો નોકરી છોડ્યા બાદ ઉપાડી શકો છો.
જો કે હાફ એમાઉન્ટ ઉપાડવા માટે પણ સરકારે કેટલીક શરતો મૂકી છે. જેમ કે લગ્ન, બાળકોના અભ્યાસ, ઘર ખરીદવું, મેડિકલ સમસ્યા વગેરે કારણોસર જ તમે પૈસા ઉપાડી શકો છે. જો કે એક વાત ધ્યાનમાં રાખજો કે, દરેક કારણ માટે અલગ-અલગ લિમિટ સુધી જ પૈસા ઉપાડી શકાય છે.
ફુલ એમાઉન્ટ તમે રિયાયરમેન્ટ બાદ ઉપાડી શકો છે. જેના માટે કોઈ શરત કે નિયમ નથી. બીજી તરફ જો તમે નોકરી છોડી દીધી છે અને 2 મહિનાથી તમે બેરોજગાર હોવ, તો તમે PFના પુરા પૈસા વિડ્રોલ કરી શકો છો. જો તમને નોકરી છોડ્યાને એક જ મહિનો થયો હશે, તો તમે કુલ જમા રકમના માત્ર 75 ટકા હિસ્સો જ ઉપાડી શકો છો.
PFમાંથી વારંવાર પૈસા કેમ ના ઉપાડવા જોઈએ?
PFમાં જમા રકમ પર કમ્પાઉન્ટ ઈન્ટ્રેસ્ટના રૂપે રિટર્ન મળે છે. જો તમે વારંવાર પૈસા ઉપાડશો, તો આ ફાયદો તમને નહીં મળે. આ સિવાય બાળકોના અભ્યાસ કે લગ્ન માટે ત્રણ વારા જ પૈસા ઉપાડી શકાય છે. એવામાં જો તમે આ ઑપ્શન સાથે વારંવાર પૈસા ઉપાડતા રહેશો, તો ભવિષ્યમાં તમને જ સમસ્યા થઈ શકે છે.
5 વર્ષ પહેલા PFના પૈસા ઉપાડવાથી ટેક્સ લાગે છે. જો કે 5 વર્ષ બાદ આ રકમ ટેક્સ ફ્રી થઈ જાય છે.
વર્ષમાં વારંવાર PF એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ કરવામાં આવે, તો પ્રોવિડન્ડ ફંડનો હેતુ જ મરી જાય છે. જો બચત જ નહીં રહે, તો મેડિકલ ઈમરજન્સી કે જરૂરિયાતના સમયે તમારું PF ખાતું ખાલી થઈ જાય છે.