TRAI New Rules 2026: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા મોબાઈલ યુઝર્સને મોટી રાહત આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગ્રાહકોને ફરજિયાત ડેટા ધરાવતા મોંઘા પ્લાન લેવાની જરૂર નહીં પડે. TRAI એ ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (13મો સુધારો) રેગ્યુલેશન, 2026 જાહેર કરીને તમામ ટેલિકોમ કંપનીઓ માટે માત્ર કોલિંગ (Voice) અને SMS સુવિધા ધરાવતા સસ્તા રિચાર્જ પ્લાન આપવાનું ફરજિયાત બનાવ્યું છે.
નવો નિયમ શું છે?
આ પણ વાંચો
નવા નિયમ અનુસાર, તમામ ટેલિકોમ કંપનીઓએ હવે એવા રિચાર્જ પ્લાન બજારમાં મૂકવા પડશે જેમાં માત્ર કોલિંગ અને SMS ની સુવિધા હોય અને ઇન્ટરનેટ ડેટા સામેલ ન હોય. TRAI ના જણાવ્યા મુજબ, અત્યાર સુધી માર્કેટમાં આવા પ્લાન્સની સંખ્યા ઘણી ઓછી હતી. ખાસ કરીને ઓછી વેલિડિટી ધરાવતા રિચાર્જમાં આવા વિકલ્પો નહિવત હતા. ગ્રાહકોની આ મુશ્કેલીને દૂર કરવા માટે જ આ નવો આદેશ આપવામાં આવ્યો છે.
વેલિડિટી અને રિચાર્જ રિન્યૂઅલના નિયમોમાં શું ફેરફાર થયા છે?
નવા નિયમો મુજબ, જે ગ્રાહકોને 30 દિવસ અથવા તેનાથી ઓછી વેલિડિટીવાળો રિચાર્જ જોઈએ છે, તેમના માટે કંપનીઓએ Voice અને SMS સુવિધા ધરાવતો પ્લાન આપવો ફરજિયાત રહેશે. આ સાથે ગ્રાહકોને દર મહિને એક નિશ્ચિત તારીખે પોતાનો રિચાર્જ રિન્યૂ કરવાનો વિકલ્પ પણ આપવો પડશે, જેથી અલગ-અલગ તારીખે વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી ગ્રાહકોને મુક્તિ મળે. આ સાથે જ દરેક કંપનીએ 30 દિવસથી વધુ વેલિડિટી ધરાવતો ઓછામાં ઓછો એક Voice-SMS Only પ્લાન પણ પૂરો પાડવો પડશે.
આ નિર્ણયથી કોને સૌથી વધુ ફાયદો થશે?
TRAI ના આ નિર્ણયથી એવા ગ્રાહકોને સૌથી વધુ ફાયદો થશે જેઓ મોબાઈલ ડેટાનો બિલકુલ ઉપયોગ કરતા નથી અથવા તો બહુ ઓછો ઉપયોગ કરે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને ઓછી આવક ધરાવતા લોકો માટે આ એક મોટા રાહતના સમાચાર છે. હવે તેઓએ બિનજરૂરી રીતે ડેટા ધરાવતા મોંઘા પ્લાન પાછળ પૈસા ખર્ચવા નહીં પડે અને તેઓ પોતાની જરૂરિયાત અને બજેટ મુજબ યોગ્ય સસ્તું રિચાર્જ પસંદ કરી શકશે.
TRAI એ કંપનીઓને એ પણ નિર્દેશ આપ્યો છે કે આ પ્લાનની કિંમતો યોગ્ય રીતે ઘટાડવામાં આવે, જેથી તે ડેટાવાળા પ્લાનની સરખામણીએ સસ્તા પડે. અત્રે ઉલ્લેખનીય છે કે આ નિયમના ડ્રાફ્ટ અંગે લોકોને કુલ 1132 પ્રતિસાદ મળ્યા હતા, જેના આધારે આ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.
