Silver Price Today: 1 સપ્ટેમ્બરના રોજ ભારતીય બજારમાં ચાંદીના ભાવમાં અસાધારણ તેજી જોવા મળી છે. આજે ચાંદીનો ભાવ 2011 બાદ ઉચ્ચ સપાટીએ નોંધાયો. જેના મુખ્યત્વે બે કારણો છે - ડોલર સામે ભારતીય રૂપિયાની નબળાઈ અને વૈશ્વિક બજારમાં વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા.
2011 બાદ સર્વોચ્ય સપાટીએ ચાંદીની કિંમત
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત 2.2 ટકા વધી છે. જે સપ્ટેમ્બર 2011 પછીનું સૌથી ઊંચું સ્તર છે. ઘરેલુ બુલિયન બજારોમાં GST વિના ચાંદી 123250 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે, જ્યારે GST સાથે તેની કિંમત 126947 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. BJA અનુસાર શુક્રવારે ચાંદી 117572 પ્રતિ કિલોગ્રામ (GST વિના) પર બંધ થઈ હતી.
ચાંદીમાં ભાવ વધારાના મુખ્ય કારણો
ડોલર સામે રૂપિયાની નબળાઈ
આજે ભારતીય રૂપિયો ડોલર સામે 88.30ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. જ્યારે રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમત ઘટે છે, ત્યારે સોના-ચાંદીની આયાત મોંઘી થઈ જાય છે, જેના કારણે ઘરેલુ બજારમાં ભાવ વધે છે.
વૈશ્વિક બજારમાં વ્યાજદર કાપની અપેક્ષા
અમેરિકામાં ફુગાવાના તાજેતરના આંકડા અપેક્ષા મુજબ આવ્યા છે, જેના કારણે સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડાની શક્યતા વધી છે. વ્યાજદરમાં ઘટાડાની આ અપેક્ષાની કારણે ચાંદીની માંગ અને ભાવ બંનેમાં વધારો થતો હોય છે.
આ ઉપરાંત ઔદ્યોગિક માંગ, ભૌગોલિક રાજકીય તણાવ અને સપ્લાય-ડિમાન્ડ ગેપ પણ ચાંદીના ભાવ વધારામાં ફાળો આપે છે. ભારતમાં તહેવારો અને લગ્નની સીઝન પણ માંગ વધારવામાં અસરકારક સાબિત થાય છે.