Silver Price Crash On Budget Day: આજે સતત ત્રીજા દિવસે ચાંદીના ભાવમાં ભયાનક મંદીની સ્થિતિ જોવા મળી છે. આ સાથે જ ત્રણ દિવસમાં કીલો ચાંદીના ભાવમાં રૂપિયા 1,50,000નો ઘટાડો થઈ ગયો છે. બીજીબાજુ સોનામાં પણ ઘટાડાને બ્રેક લાગી નથી. રવિવારે બજેટ દિવસ (Budget Day) નિમિત્તે કામકાજ માટે ખુલતાની સાથે જ ચાંદીની કિંમતમાં રૂપિયા 27000નો કડાકો બોલાઈ ગયો છે. જ્યારે Gold Rateમાં પણ આશરે 9 ટકાનો ઘટાડો થયો છે એટલે કે આજે તેમાં પણ રૂપિયા 13000થી વધારે ઘટાડો થયો છે.
MCX પર ખુલતાની સાથે જ ચાંદી તૂટી ગઈ છે. ગયા અઠવાડિયાના અંતિમ ટ્રેડિંગ દિવસે સોના અને ચાંદીમાં ભારે ઘટાડો થયો હતો. તેના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે જ ચાંદીએ પહેલીવાર રૂપિયા 4 લાખનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો હતો અને 5 માર્ચે એક્સપાયર થયેલી ચાંદીની કિંમત રૂપિયા 4,20,048 અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી હતી.
પરંતુ બીજા જ દિવસે તે રૂપિયા 1.28 લાખ ઘટીને 2,91,922 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. રવિવાર સુધીના માત્ર ત્રણ ટ્રેડિંગ દિવસોમાં, 1 કિલો ચાંદીનો ભાવ તેના ઉચ્ચ સ્તરથી ઘટીને 2,65,652 રૂપિયા થઈ ગયો. જો તે મુજબ ગણતરી કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન ચાંદી રૂપિયા1,54,396 સસ્તી થઈ છે.
છેલ્લા ત્રણ દિવસમાં સોનાના ભાવમાં રૂપિયા 50,000 થી વધુનો ઘટાડો થયો છે. ગયા ગુરુવારે રૂપિયા 1,93,096 પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી, ભાવ અચાનક ઘટવા લાગ્યો, અને બજેટના દિવસે પણ આ ચાલુ રહ્યો. ત્રણ ટ્રેડિંગ દિવસોમાં સોનાનો ભાવ રૂપિયા 54,462 ઘટીને રૂપિયા 10 ગ્રામ દીઠ રૂપિયા 1,38,634 થયો.
Gold-Silver ETFમાં પણ ઘટાડો
સોના અને ચાંદી ઉપરાંત મેટલ સેક્ટરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેમાં સિલ્વર ETF અને ગોલ્ડ ETFમાં 11 ટકાનો ઘટાડો થયો છે. નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ETF અને નિપ્પોન ઇન્ડિયા ગોલ્ડ ETFમાં નીચલી સર્કિટ લાગી છે. મેટલ શેરોમાં પણ ઘટાડો થયો છે. વેદાંતના શેરમાં 10 ટકાનો ઘટાડો થયો છે. હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 10 ટકા, હિન્દુસ્તાન કોપરમાં 18 ટકાથી વધુ, હિન્દુસ્તાન એલ્યુમિનિયમમાં લગભગ 5 ટકા અને હિન્ડાલ્કોમાં 7 ટકાનો ઘટાડો થયો છે.
